________________
કેવળી પ્રભુનો સાથ
સુધીના અસંજ્ઞીપણામાં અનંતકાળ વીતાવ્યા પછી, ૯૦૦ ભવ જેટલા અલ્પકાળ માટે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મળ્યું હતું. એ સમયે પણ કર્મના ધક્કાનુસાર અમારે ચારે ગતિમાં ભમવું પડ્યું. તે વખતે શક્તિ ફૂરાયમાન થઈ હોવાથી, તેના આધારે કંઈક જીવોને દુભવ્યા, હણ્યા અને તેમને અનેક પ્રકારે કષ્ટો આપવામાં આનંદ માન્યો, પરિણામે દુઃખોની વણઝાર ચાલી. દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી જિંદગીઓ વીતાવી. એવા સમયે અમે કષાયોના ઉગ્ર સ્વરૂપના આશ્રયે રહયાં, અને અમારું સંજ્ઞીપણું જાળવી ન શકતાં, ફરીથી અસંજ્ઞીપણામાં સરી પડયા. આવી જાતનું સંજ્ઞી અસંજ્ઞીપણું અમને વારફરતી આવતું ગયું. આમ કરતાં કરતાં અત્યાર સુધીનો કાળ વહી ગયો.
અહો ઉદાર હૃદયી પ્રભુજી! આપની અનંત અનંત કૃપા થતાં અમને વર્તમાનમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું તથા બીજી અનેક સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે. અમારું આ અમૂલ્ય સંજ્ઞીપંચેન્દ્રિયપણું હવે છીનવાઈ ન જાય તે માટે અમારે આ જીવન સાર્થક કરવું છે. જીવનની સાર્થકતા કઈ રીતે થાય તેની જાણકારી અમારી પાસે નથી. પરંતુ આપ તેના પ્રખર જાણકાર છો, એવી ભાવના અમારા હૃદયમાં ઊગી આવવાથી, અમે આપની - ઋષભની – ઉત્તમની સાથે જોડાવા, આપની કૃપાને ઉત્તમતાએ ગ્રહણ કરવા પ્રવૃત્ત થયા છીએ.
સંસારમાં સહુ એકબીજાની કૃપા ઇચ્છયા જ કરે છે, અને મળતી કૃપા કે અવકૃપાના અનુસંધાનમાં ક્ષણિક સુખ કે દુઃખ વેદ્યા જ કરે છે. અત્યાર સુધી અમે પણ આ પ્રક્રિયાથી બચી શક્યા નથી. તે જિનદેવ! તમે તો અનંત સુખનાં ધામ છો. એક વખત તમને સાચા અર્થમાં પ્રાપ્ત કર્યા પછી, જીવની પાસે દુ:ખ આવી શકતું નથી; એમ અમે સાંભળ્યું છે. તો અમને કષ્ટ માત્રથી ઉગરવાનો માર્ગ બતાવો. સાથે અમને શાશ્વત સુખ મેળવવા માટે માર્ગદર્શન આપો. આ સંસારની પ્રીતિ તો ક્ષણિક છે, નાશવંત છે, અથાગ પ્રયત્ન કરવા છતાં પણ અમે આ સંસારમાંથી પરિભ્રમણ કરવા સિવાય કશું જ મેળવી શકયા નથી. હવે તો સંસારભ્રમણ છૂટે તે માટે સન્મતિ અને સન્માર્ગનું અમને દાન આપો!