________________
કર્મરૂપી વેરીનો પરાજય કર્યો છે એવા અહેતુ ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેનાં આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુભગવાનને હું પરમભક્તિથી નમસ્કાર કરું છું.
શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરપર્ધત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
– શ્રીમદ્ રાજચંદ્ર, આંક ૭૫૭.