Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
પ્રદેશપ્રમાણ સ્થાનકો થાય છે તેથી તેના નિમિત્તે થતા શુભાશુભ અધ્યવસાયો પણ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ છે. તેમાં પણ શુભ અધ્યવસાયો થોડા વધારે છે.
દર
કઈ રીતે વધારે હોય છે તે બતાવે છે—ઉપશમશ્રેણિમાં દશમા ગુણસ્થાનકના ચરમસમયે જે અધ્યવસાયે પુન્યપ્રકૃતિઓનો સ્વભૂમિકાપ્રમાણે ઉત્કૃષ્ટ અને પાપપ્રકૃતિઓનો જઘન્યરસ બંધાય છે તે અધ્યવસાયથી આરંભી પહેલે ગુણસ્થાનકે જે અધ્યવસાયે પાપપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને પુન્યપ્રકૃતિઓનો જઘન્ય રસ બંધાય છે તે ઉત્કૃષ્ટ અધ્યવસાય સુધીના દરેક અધ્યવસાયોને ક્રમપૂર્વક સ્થાપવા. દશમા ગુણસ્થાનથી ક્રમપૂર્વક પડી પહેલા ગુણસ્થાનકપર્યંત આવતા ક્રમશઃ સ્થાપેલા બધા અધ્યવસાયોને જેમ સ્પર્શે છે તેમ પહેલેથી ચડી દશમાપર્યંત જતા સઘળા અધ્યવસાયોને સ્પર્શે છે. અધ્યવસાયો તેના તે જ છે. પરંતુ જ્યારે આત્મા પડતો હોય છે ત્યારે કષાયોનું બળ વધતું જતું હોવાથી તે સંક્લિષ્ટ પરિણામી કહેવાય છે અને તે વખતે પુન્યપ્રકૃતિઓના રસમાં હાનિ થતી જાય છે, અને પાપપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે.
તે જ આત્મા પહેલેથી ક્રમપૂર્વક ચડતો જતો હોય ત્યારે કષાયોનું બળ ઘટતું જતું હોવાથી તે વિશુદ્ધ પરિણામી કહેવાય છે, અને તે સમયે પાપપ્રકૃતિઓના રસમાં હાનિ અને પુન્યપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે.
આ રીતે પડતા અને ચડતા અધ્યવસાયોની સંખ્યા સમાન છે. જેમ માળ ઉપરથી ઊતરતાં જેટલાં પગથિયાં હોય છે તેટલાં જ ચડતાં હોય છે. તેમ અહીં પણ સંક્લિષ્ટ પરિણામી આત્માના જેટલા અશુભ અધ્યવસાયો હોય છે તેટલા જ વિશુદ્ધ પરિણાંમી આત્માના શુભ અધ્યવસાયો હોય છે.
પ્રશ્ન—એક જ પરિણામ શુભ અને અશુભ બંને પ્રકારે શી રીતે હોઈ શકે ?
ઉત્તર—એક જ પરિણામ શુભ અને અશુભ બંને રીતે હોઈ શકે છે. શુભાશુભપણું સાપેક્ષ છે. જ્યારે પડતો હોય ત્યારે તે સઘળા અશુભ કહેવાય છે અને ચડતો હોય ત્યારે તે જ સઘળા શુભ કહેવાય છે. જેમ શત્રુંજય પર્વત પર ચડતા અને ઊતરતા મનુષ્યના અધ્યવસાયમાં તારતમ્ય સ્પષ્ટપણે જણાય છે. પર્વત પરથી ઊતરતો એક મનુષ્ય અને ચડતો એક મનુષ્ય બંને એક જ પગથિયા પર ઊભા હોય છતાં ચડનારના અધ્યવસાય ચડતા હોય છે, ઊતરનારના ઊતરતા હોય છે. તેમ અહીં પણ ચડતા અને ઊતરતા અધ્યવસાયના સંબંધમાં જાણવું. કેવળ ક્ષપકશ્રેણિના અધ્યવસાયો અધિક છે. કારણ કે જે અધ્યવસાયોમાં વર્તમાન ક્ષપક આત્મા ક્ષપકશ્રેણિ પર ચડે છે, ત્યાંથી પડતો નથી. તેથી અશુભ અધ્યવસાયની સંખ્યાથી શુભ અધ્યવસાયની સંખ્યા વધારે છે. આ પ્રમાણે અધ્યવસાયની પ્રરૂપણા કરી.
હવે અવિભાગપ્રરૂપણા કરે છે—
सव्वजीयाणंतगुणा एक्क्के होंति भावाणू ॥४४॥ सर्व्वजीवानन्तगुणा एकैकस्मिन् भवन्ति भावाणवः ॥ ४४ ॥ અર્થ—એક એક પરમાણુમાં સર્વજીવથી અનન્તગુણા ભાવાણુ-૨સાણુ હોય છે.