Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
બીજા સાસ્વાદન ગુણસ્થાનકવાળા અને ત્રીજા સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકવાળા જીવો ત્રણ દર્શનમોહનીયમાંથી કોઈપણ પ્રકૃતિનો સંક્રમ કરતા નથી.
મિશ્રમોહનીયમાં સમ્યક્ત્વમોહનીયને સંક્રમાવતા નથી.
૨૨૪
દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેને પરસ્પર સંક્રમાવતા નથી એટલે કે દર્શનમોહનીયને ચારિત્રમોહનીયમાં સંક્રમાવતા નથી, ચારિત્રમોહનીયને દર્શનમોહનીયમાં સંક્રમાવતા નથી. ૩
આ ગાથામાં પણ સંક્રમના અપવાદ કહે છે—
संकामंति न आउं उवसंतं तहय मूलपगईओ । पगइठाणविभेया संकमणपडिग्गहा दुविहा ॥४॥
संक्रमयन्ति न आयूंषि उपशान्तं तथा च मूलप्रकृतीः । प्रकृतिस्थानविभेदात् संक्रमपतद्ग्रहौ द्विविधौ ॥४॥
અર્થ—આયુને પરસ્પર સંક્રમાવતા નથી, તથા ઉપશાંત દલનો સંક્રમ થતો નથી, તેમજ મૂળકર્મનો પરસ્પર સંક્રમ થતો નથી. પ્રકૃતિ, સ્થાનના ભેદે સંક્રમ અને પતદ્મહ બબ્બે પ્રકારે થાય છે.
ટીકાનુ—કોઈપણ આત્માઓ કોઈ પણ આયુને પરસ્પર સંક્રમાવતા નથી, એટલે કે સત્તાગત કોઈ પણ આયુ બંધાતા કોઈ પણ આયુ રૂપે થતું નથી.
૧. અહીં તથા કર્મપ્રકૃતિ સંક્રમણ કરણમાં પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એમ સ્પષ્ટ જણાવેલ છે. પરંતુ નવ્યશતક વૃત્તિમાં ગાથા ૯૯ની વૃત્તિમાં દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે તથા વિશેષાવશ્યક ગૃહવૃત્તિમાં, આવશ્યકચૂર્ણિ વગેરેમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામતા, અનંતાનુબંધીનો ક્ષય કરતો આત્મા અનંતાનુબંધીનો અનંતમો ભાગ મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમાવે છે. અને પછી અનંતાનુબંધી સહિત મિથ્યાત્વ મોહનો ક્ષય કરે છે.” આ રીતે અનંતાનુબંધીનો મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમ થાય છે એમ જણાવેલ છે.
આ વાતનો સમન્યવ કરતાં પહેલાં દર્શનમોહનીયની અને ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ કઈ કઈ છે તેનો વિચાર કરવાથી ખ્યાલ આવી જશે. આ જ ગ્રંથનું ત્રીજું દ્વાર, કર્મગ્રંથ તથા આચારાંગવૃત્તિ વગેરે ગ્રંથો મિથ્યાત્વાદિક ત્રણને દર્શન મોહનીયમાં અને શેષ અનંતાનુબંધી વગે૨ે પચીસ પ્રકૃતિઓને ચારિત્રમોહનીયમાં જણાવે છે. જ્યારે તત્ત્વાર્થની ટીકામાં અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનત્રિક એ સાત પ્રકૃતિઓને દર્શનમોહનીય અને શેષ એકવીસ પ્રકૃતિઓને ચારિત્ર મોહનીયમાં જણાવી છે. વળી અનંતાનુબંધી ચતુષ્ક પણ દર્શનગુણનો જ ઘાત કરે છે. તેથી અન્ય ગ્રંથોમાં પણ તે સાત પ્રકૃતિઓને ‘‘દર્શનસપ્તક” તરીકે બતાવવામાં આવી છે.
હવે જો, દર્શનમોહનીય એટલે અનંતાનુબંધી આદિ સાત પ્રકૃતિઓ ગ્રહણ કરીએ તો ‘દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી” એ પાઠ અને ‘‘અનંતાનુબંધીનો મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમ થયો” એ પાઠ સંગત થઈ શકે છે. તથા દર્શનત્રિકને દર્શનમોહનીયથી ગ્રહણ કરીએ તો ‘અનંતાનુબંધીનો મિથ્યાત્વમાં સંક્રમ થાય છે” તે અલ્પ હોવાથી તેની અવિવક્ષા, કરી હોય, અથવા મતાંતર હોય તેમ લાગે છે. તત્ત્વ તો બહુશ્રુતો જાણે.