Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૩૩
- (૬) સામાન્યથી એક અંતર્મુહૂર્ત સુધી સમાન સ્થિતિબંધ થતો હોવાથી તે એક સ્થિતિબંધ કહેવાય છે. અને અંતર્મુહૂર્ત પછી સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામના અનુસાર ક્રમશઃ વધારે અથવા ઓછો સ્થિતિબંધ થાય છે. પરંતુ અહીં ક્રમશઃ ચડતા વિશુદ્ધ પરિણામ હોવાથી પૂર્વ પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ કરી તે-તે સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમનો (અ) સંખ્યાતમો ભાગ ન્યૂન-ન્યૂન નવો-નવો સ્થિતિબંધ કરે છે.
(૭) દરેક સમયે બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ પૂર્વ-પૂર્વના સમયથી અનંતગુણ અધિકઅધિક અને અશુભ પ્રકૃતિઓનો અનંતગુણ હીન-હીન બાંધે છે.
આ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ રહી પછી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ આ ત્રણ કારણો કરે છે. અને દરેકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં એક સાથે પ્રવેશ કરેલ જીવોને દરેક સમયે વિશુદ્ધમાં તરતમતા હોય છે માટે દરેક સમયે ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ ચડતા-ઊતરતા અધ્યવસાયો હોય છે અને આ બંને કરણોના પ્રભાવથી મોહનીયકર્મનો તેવા જ વિચિત્ર પ્રકારનો ક્ષયોપશમ થાય છે કે જેથી પછી-પછીના સમયમાં અધ્યવસાયો થોડા અધિક-અધિક હોય છે અને સંપૂર્ણ એક અથવા બને કરણોના કુલ અધ્યવસાયો પણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે પરંતુ એક સમયવર્તી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની અપેક્ષાએ સંપૂર્ણ કરણગત અધ્યવસાયોની સંખ્યા અસંખ્યગુણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે આ હકીકત કંઈક સહેલાઈથી સમજી શકાય માટે અસત્કલ્પનાથી બતાવવામાં આવે છે.
યથાપ્રવૃત્ત કરણ કરણકાળનું અંતર્મુહૂર્ત અસંખ્યાત સમયનું હોવા છતાં અસત્કલ્પનાએ પચીસ સમય પ્રમાણ, પ્રથમ સમયના અસંખ્યાતલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોની સંખ્યા એકસો (૧૦૦) અને પછી પછીના સમયે થોડા વધારે વધારે એટલે પાંચ-પાંચ વધારે કલ્પીએ તો યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે ત્રિકાલવર્તી સર્વજીવો આશ્રયી એકસો, બીજા સમયે એકસો પાંચ, ત્રીજા સમયે એકસો દસ અધ્યવસાયો હોય, એમ પછી પછીના સમયે પાંચ-પાંચ અધ્યવસાયો અધિક અધિક હોવાથી પચીસ સમયાત્મક અંતર્મુહૂર્તના ચરમ સમયે અર્થાત્ પચીસમા સમયે અનેક જીવો આશ્રયી–કુલ બસો વીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે.
અહીં તિર્યમ્મુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. પ્રથમ-સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાં પહેલો અધ્યવસાય સૌથી અલ્પવિશુદ્ધિવાળો અને તેની અપેક્ષાએ ૧૦૦મો અધ્યવસાય અનંતગુણ અધિક વિશુદ્ધિવાળો હોય છે તેથી પહેલા નંબરના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ છેલ્લા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંત ભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ અધિક, કેટલાક સંખ્યાત ભાગ અધિક, કેટલાક સંખ્યાત, ગુણ અધિક, કેટલાક અસંખ્યાત ગુણ અધિક અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે.