Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૫૭
વ્યતીત થાય ત્યારે હાસ્યષકનો સંપૂર્ણ ઉપશમ થાય છે. અને જે સમયે હાસ્યષર્કનો સંપૂર્ણ ઉપશમ થાય છે, તે સમયે પુરુષવેદની પ્રથમ સ્થિતિ એક સમય પ્રમાણ અને દ્વિતીય સ્થિતિમાં સમયગૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક છોડી શેષ સર્વ દલિક ઉપશમી જાય છે. અને તે સમયે પુરુષવેદનો ચરમસ્થિતિબંધ સોળ વર્ષ પ્રમાણ થાય છે.
પુરુષવેદની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી હોય ત્યારે દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગ દ્વારા દલિકો પુરુષવેદની ઉદયાવલિકામાં આવતાં નથી, માટે આગાલ બંધ પડે છે પરંતુ ઉદીરણા ચાલુ હોય છે, તેમજ પ્રથમ સ્થિતિ સમયગૂન બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થાય છે, માટે તે સમયથી હાસ્યષકનાં દલિતો પુરુષવેદમાં સંક્રમતાં નથી પરંતુ સંજવલન ક્રોધાદિમાં સંક્રમે છે, તેમજ એક સમય પ્રમાણ પુરુષવેદની પ્રથમ સ્થિતિ ભોગવ્યા બાદ આત્મા અવેદક થાય છે. અને જે સમયે આત્મા અવેદક થાય છે તે સમયે દ્વિતીય સ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું દલિક અનુપશાંત હોય છે, કારણ કે જે સમયે જે કર્મ બંધાય છે અથવા અન્ય પ્રકૃતિમાંથી સંક્રમીને આવે છે તે સમયથી એક આવલિકા કાળ સુધી તેમાં કોઈ કરણ લાગતું નથી. માટે બંધ આવલિકા અથવા સંક્રમ આવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી તેને સંક્રમાવવાની અથવા ઉપશમાવવાની ક્રિયા શરૂ કરે છે. અને તેને સંપૂર્ણ સંક્રમાવતાં અથવા ઉપશમાવતાં બીજી આવલિકા પૂર્ણ થઈ જાય છે, અર્થાત્ બીજી આવલિકાના ચરમ સમયે સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થઈ જાય છે.
દા. ત. આઠમા સમયે બંધવિચ્છેદ થાય તો નવમો સમય બંધવિચ્છેદ પછીનો સમય ગણાય. તેથી બંધવિચ્છેદ પછીના સમયે એટલે નવમા સમયે શરૂઆતના પહેલા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની (અસંખ્યાત સમય પ્રમાણ આવલિકાને પણ અસત્કલ્પનાએ ચાર સમયની ગણીએ તો) ચોથા સમયે બંધ આવલિકા અથવા સંક્રમ આવલિકા પૂર્ણ થવાથી પાંચમા સમયે સંક્રમ અથવા ઉપશમ શરૂ થાય અને તે આઠમા સમયે સંપૂર્ણ સંક્રમી અથવા ઉપશમી જાય.
- એ રીતે બીજા સમયે બંધાયેલ અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી આવેલ દલિકની બંધાવલિકા અથવા સંક્રમ-આવલિકા પાંચમા સમયે પૂર્ણ થાય, છઠ્ઠા સમયે તેનો સંક્રમ અથવા ઉપશમ કરવાની શરૂઆત કરે અને ચાર સમયાત્મક બીજી આવલિકાના ચરમસમયે એટલે નવમા સમયે સંપૂર્ણ સંક્રમી જાય અથવા ઉપશમી જાય.
પરંતુ ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિકોનો નવમા સમય સુધી સંપૂર્ણ સંક્રમ અથવા ઉપશમ થતો નથી. તેથી ત્રીજા સમયે બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દલિક નવમા સમય સુધી સત્તામાં હોય છે. આ રીતે તે પછીના આઠમા સમય સુધી બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દરેક દલિકોનો અમુક ભાગ સંક્રમવા કે ઉપશમવા છતાં અમુક દલિકો સત્તામાં પણ રહી જાય છે. તેથી બંધવિચ્છેદ પછીના એટલે નવમા સમયે ત્રીજાથી આઠમા સમય સુધી બંધાયેલા અથવા સંક્રમથી આવેલા છ સમયનાં દલિકો રહી જાય છે. અને ચાર સમયની આવલિકા કલ્પેલ હોવાથી છ સમયો એટલે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કહી શકાય,