Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૬
પંચસંગ્રહ-૨
વિશુદ્ધિ અનંતગુણી, તેનાથી ત્રીજે સમયે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી, એમ યથાપ્રવૃત્તકરણના સંખ્યાતમા ભાગપર્યંત કહેવું. તે કરતાં યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી, તેનાથી સંખ્યાતમાભાગ પછીના સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી, તે કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટ અનંતગુણી, તે કરતાં સંખ્યાતમાભાગ પછીના બીજા સમયની જધન્ય વિશુદ્ધિ અનંતગુણી, તેના કરતાં ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી, તેનાથી સંખ્યાતમાભાગ પછીના ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી, એમ ઉપરના એક એક સમયની ઉત્કૃષ્ટ અને સંખ્યાતમાભાગના પછીના એક એક સમયની જઘન્ય અનંતગુણ વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરણ સમય પર્યંત કહેવી. યથાપ્રવૃત્તકરણના છેલ્લા સંખ્યાતમાભાગમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ નથી કહી તે પણ ઉત્તરોત્તર અનંતગુણ કહી જવી. આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણમાં વિશુદ્ધિનું તારતમ્ય હોય છે.
આ રીતે યથાપ્રવૃત્તકરણ પૂર્ણ કરી અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. અપૂર્વકરણમાં પણ પ્રતિસમય નાના જીવોની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ વિશુદ્ધિનાં સ્થાનકો હોય છે, અને પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે વધારે વધારે હોય છે. તથા દરેક સમયનાં વિશુદ્ધિસ્થાનકો સ્થાન પતિત છે. વિશુદ્ધિનું તારતમ્ય આ પ્રમાણે છે—યથાપ્રવૃત્તકરણના ચરમસમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે, તે કરતાં તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી છે, તેનાથી તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે, આ પ્રમાણે અપૂર્વકરણના ચરમ સમય પર્યંત વિશુદ્ધિનું તારતમ્ય હોય છે.
તથા અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ
અને અન્ય સ્થિતિબંધ એ પાંચ પદાર્થો એકીસાથે પ્રવર્તે છે.
સ્થિતિઘાત—એટલે સત્તાગતસ્થિતિના ઉપરના ભાગમાંથી વધારેમાં વધારે સેંકડો સાગરોપમ પ્રમાણ અને ઓછામાં ઓછા પલ્યોપમના સંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિને ખંડે છે— નાશ કરવાનો પ્રયત્ન કરે છે—તેટલાં સ્થાનકોમાંનાં દલિકોને ઉપાડી ભૂમિ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. તેનાં દલિકોને નીચે જે સ્થિતિનો ઘાત થવાનો નથી તેની અંદર નાખે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણા વધારે દલિકોને ગ્રહણ કરતો અંતર્મુહૂર્ત કાળે તેટલી સ્થિતિનો નાશ કરે છે. વળી પણ ઉપરોક્ત ક્રમે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ બીજો ખંડ લે છે અને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. આવી રીતે અપૂર્વકરણના કાળમાં હજારો સ્થિતિઘાતો કરે છે. અપૂર્વકરણમાં પ્રથમ સમયે જે સ્થિતિસત્તા હતી તે કરતાં ચરમ સમયે સંખ્યાતગુણહીન થાય છે એટલે કે સંખ્યાતમા ભાગની બાકી રહે છે.
રસઘાત—અશુભ પ્રકૃતિઓનો સત્તામાં જે રસ છે તેનો અનંતમો ભાગ રાખી શેષ અનંત ભાગોને સમયે સમયે નાશ કરતો અંતર્મુહૂર્ત કાળે સંપૂર્ણપણે નાશ કરે છે. ત્યારપછી રાખેલા અનંતમા ભાગનો અનંતમો ભાગ રાખી શેષ અનંત ભાગોને સમયે સમયે નાશ કરતો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. વળી શેષ રાખેલા અનંતમા ભાગનો અનંતમો ભાગ રાખી અનંતા ભાગોને સમયે સમયે નાશ કરતો અંતર્મુહૂર્તકાળે નાશ કરે છે. આવી રીતે એક સ્થિતિઘાત જેટલા