Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૨૬
પંચસંગ્રહ-૨
મિથ્યાત્વની રીતિએ એટલે કે જેમ મિથ્યાત્વની ઉદય યોગ્ય સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે સમય પ્રમાણ સ્થિતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે તેમ ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ત્યારે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (અહીં સમય પ્રમાણ જઘન્ય સ્થિતિનું જ સામ્ય છે. કેમ કે મિથ્યાત્વનો ક્ષય તો ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં થાય છે, જ્યાં તેનો ઉદય જ હોતો નથી.)
તથા મનુજગતિ, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંઘયણ, ઔદારિક સપ્તક, સંસ્થાન પદ્ધ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ, સુસ્વર, દુઃસ્વર, આદેય, યશકીર્તિ, તીર્થકર અને ઉચ્ચ ગોત્ર રૂપ બત્રીસ અને નિર્માણ આદિ નામ ધ્રુવોદયી તેત્રીસ કુલ પાંસઠ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની સયોગી કેવલીના ચરમ સમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. યોગી કેવલીના ચરમ સમયે સત્તાગત તમામ પ્રકૃતિઓની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ જ સત્તામાં હોય છે, એટલે ઉદયાવલિકા ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ જ જઘન્ય ઉદીરણા યોગ્ય રહે છે, એટલે પાંસઠ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પ્રમાણે જ જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે.
તથા ચારે આયુની પણ તેની ઉદીરણાને અંતે (સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ત્યારે) જઘન્ય સ્થિતિ ઉદીરણા સમજવી. ૩૯
આ પ્રમાણે સ્થિતિ ઉદીરણા કહી, હવે અનુભાગોદીરણા કહે છે.
अणुभागुदीरणाए घाइसण्णा य ठाणसन्ना य । सुहया विवागहेऊ जोत्थ विसेसो तयं वोच्छं ॥४०॥
अनुभागोदीरणायां घातिसंज्ञा च स्थानसंज्ञा च ।
शुभता विपाकहेतू योऽत्र विशेषः तं वक्ष्ये ॥४०॥. અર્થ—અનુભાગ ઉદીરણામાં ઘાતિસંજ્ઞા, સ્થાનસંજ્ઞા, શુભાશુભપણું, વિપાક અને હેતુ ઉદયને આશ્રયીને પહેલાં જેમ કહ્યા તેમ અહીં પણ સમજવા. આ વિષયમાં જે વિશેષ છે તે હું કહીશ.
૧. સ્થિતિ ઉદીરણામાં કેટલાએક સ્થળે એમ આવ્યું છે કે–બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતગ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. એમ શા માટે થાય છે તેનું કારણ નીચે આપવામાં આવ્યું છે—જેની સ્થિતિ સંક્રમ છે તેની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે છે. અન્ય પ્રકૃતિ નયન સંક્રમમાં સ્થાનનો ફેરબદલો થતો નહિ હોવાથી જેમાં સંક્રમે છે, તેની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે, એમ કહ્યું છે. એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન તેની ઉત્કૃષ્ટ સત્તા થાય છે. જેમ કે નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. જે સમયે તેની બંધાવલિકા પૂર્ણ થાય તે સમયે દેવગતિ બાંધવાનો આરંભ કરે. બંધાતી દેવગતિમાં ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ સંક્રમે. ઉદયાવલિકા ઉપરનું નરકગતિનું દળ દેવગતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે એટલે તે ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગર પ્રમાણ દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં થાય. વળી તેની સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું અન્યત્ર સંક્રમે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.