Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૫૮
પંચસંગ્રહ-૨
પ્રદેશોદીરણાના સ્વામી છે.
ટીકાનુ—પહેલાં જઘન્ય અનુભાગની ઉદીરણાના અધિકારમાં ઘાતિકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણાના જે સ્વામી કહ્યા, તે જ ઘાતિકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામી જાણવા. અતિ સંક્ષેપે કહેલી આ હકીકતને વિસ્તારથી કહે છે—અવધિજ્ઞાનાવરણ વર્જીને ચાર જ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ અને કેવલ દર્શનાવરણ એ સાત પ્રકૃતિની ક્ષીણમોહ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ગુણિતકર્માંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદી૨ણા થાય છે, અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણની ક્ષીણકષાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ રહે ત્યારે અવધિ લબ્ધિ વિનાના ગુણિતકર્માંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય છે. આ વખતે ગુણિતકર્માંશ આત્મા સમયપ્રમાણ જઘન્ય સ્થિતિ, જઘન્ય અનુભાગ, અને ઉત્કૃષ્ટ પ્રદેશની ઉદીરણા કરે છે. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે ઉક્ત કર્મપ્રકૃતિઓની પણ તેટલી જ સ્થિતિ સત્તામાં શેષ રહે છે. છેલ્લી આવલિકા ઉદયાવલિકા હોવાથી તેની ઉપરની સમય પ્રમાણ સ્થિતિ, અને તે સ્થિતિસ્થાનમાંના જઘન્ય રસયુક્ત વધારેમાં વધારે દલિકોને ગુણિત કાઁશ આત્મા ઉદીરે છે.
નિદ્રા અને પ્રચલાની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા ઉપશાંતકષાય ગુણસ્થાનકે વર્તમાન આત્માને, સ્યાનદ્વિત્રિકની અપ્રમત્તભાવને સન્મુખ થયેલ પ્રમત્તમુનિને, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની સંયમ સહિત સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા ઇચ્છતા મિથ્યાત્વ ગુણસ્થાનકના ચરમ સમયે વર્તમાન મિથ્યાર્દષ્ટિને, મિશ્રમોહનીયની જે સમયે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેની પહેલાના સમયે-એટલે કે ત્રીજેથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ચોથે ગુણસ્થાનકે જતાં ત્રીજા ગુણસ્થાનકના ચરમ સમયે, અપ્રત્યાખ્યાનાવરણકષાયની અનંતર સમયે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરવા ઇચ્છતા અવિરતિ સમ્યગ્દષ્ટિને, પ્રત્યાખ્યાનાવરણ કષાયની અનન્તર સમયે સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરવા ઇચ્છતા દેશવિરતિને, સંજ્વલન ક્રોધ, માન અને માયાની તે તે કષાયના ઉદયવાળાને પોતપોતાના ઉદયના પર્યવસાન સમયે, ત્રણ વેદ અને સંજ્વલન લોભની તે તે પ્રકૃતિના ઉદયવાળા ક્ષપકને ઉક્ત પ્રકૃતિની સમયાધિક આવલિકા પ્રમાણ`શેષ સ્થિતિ રહે ત્યારે, અને હાસ્યાદિ ષટ્કની અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય
૧. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ રહે ત્યારે દરેકને જઘન્ય સ્થિતિની ઉદીરણા તો થાય. પરંતુ દરેકને જઘન્ય રસની જ ઉદીરણા થતી હોત તો જઘન્ય રસની જ ઉદીરણાના અધિકારમાં ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીને કે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને એમ ‘ઉત્કૃષ્ટ' આદિ વિશેષણ જોડીને જઘન્ય અનુભાગોદીરણા ન કહેત. પરંતુ સામાન્યથી જ બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે શ્રુતજ્ઞાનાવરણાદિની જધન્ય રસોદીરણા થાય એમ કહેત. એમ નથી કહ્યું તે પરથી એમ સમજાય છે કે ઉત્કૃષ્ટ શ્રુતપૂર્વી આદિને જઘન્ય રસની ઉદીરણા થાય, અન્યને મધ્યમ રસની ઉદીરણા થાય. વળી એમ પણ નથી સમજવાનું કે જઘન્ય રસોદીરણા કરનાર દરેક ઉત્કૃષ્ટ પ્રદેશની જ ઉદીરણા કરે છે, કેમ કે ગુણિતકર્માંશ હોય તે કરે, અન્ય મધ્યમ પ્રદેશોદીરણા કરે. માત્ર જે સ્થળે ઘાતિકર્મની જઘન્ય રસોદીરણા કહી ત્યાં જ તેની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયાદિની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ઘન્ય રસોદીરણા કહી છે તેમ બારમાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે તે પ્રકૃતિઓની ગુણિતકર્માંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા પણ કહેવી.