Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૧૧૫
પ્રારંભ કરે, તેનો આરંભ કરતો આત્મા લબ્ધિ ફોરવવામાં ઉત્સુકતાવાળો હોવાથી અવશ્ય પ્રમાદયુક્ત થાય છે—(લબ્ધિનો આરંભ અને અંત બંને પ્રમત્તગુણસ્થાનકે થાય છે.) એટલે પ્રમત્ત છતાં આહારકશરીર ઉત્પન્ન કરતાં આહારકસપ્તકની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
તથા કોઈ એક આત્મા તથાવિધ પરિણામ વિશેષે નરકગતિની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને શુભ પરિણામ વિશેષે દેવગતિની દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો આરંભ કરે. બંધાતી તે દેવગતિની સ્થિતિમાં તેની ઉદયાવલિકા ઉપર બંધાવલિકા જેની વીતી ગઈ છે એવી અને ઉદયાવલિકા ઉપરની કુલ બે આવલિકા ન્યૂન નરકગતિની સઘળી સ્થિતિ સંક્રમાવે. એટલે દેવગતિની એક આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિની સત્તા થાય. દેવગતિ બાંધતો જઘન્યથી અંતર્મુહૂર્ત પર્યંત બાંધે છે. તે અંતર્મુહૂર્ત આવલિકા ન્યૂન વીસ કોડાકોડી પ્રમાણ દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તામાંથી ઓછું થાય છે. બાંધ્યા પછી કાલ કરી અનંતર સમયે દેવ થાય. દેવપણું અનુભવતાં તેને દેવગતિની અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
શંકા—ઉક્ત યુક્તિને અનુસરી આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે, તો પછી અંતર્મુહૂર્ત ન્યૂન કેમ કહો છો ?
ઉત્તર—અહીં અંતર્મુહૂર્ત ન્યૂન કહેવામાં કોઈ દોષ નથી. કેમ કે અંતર્મુહૂર્તમાં આવલિકા નાખીએ છતાં પણ તે અંતર્મુહૂર્ત જ થાય છે, માત્ર તે મોટું સમજવું. આ પ્રમાણે દેવાનુપૂર્વી માટે પણ સમજવું. આ પ્રમાણે શેષ વિકલત્રિકાદિ પ્રકૃતિઓની પણ ઉદીરણા યોગ્ય ઉત્કૃષ્ટસ્થિતિ યથાયોગ્ય રીતે સ્વયમેવ વિચારી લેવી.
શંકા—અનુદય સંક્રમોત્કૃષ્ટ સ્થિતિવાળી ઉપરોક્ત પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે, એમ જે ઉપર કહ્યું તે બરાબર છે. પરંતુ આતપનામ બંધોત્કૃષ્ટ છે, તેથી જ્ઞાનાવરણીયાદિની જેમ તેની બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય પ્રાપ્ત થાય છે, તો પછી શા માટે અંતર્મુહૂર્ત ન્યૂન કહો છો ?
આહારકમાં સંક્રમાવનાર અન્ય પ્રકૃતિઓની સ્થિતિ સત્તા આહારકની સ્થિતિ સત્તાથી અધિક હોય છે. એટલે જ એમ કહ્યું કે સંક્રમ્યા બાદ આહારકની સત્તા ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડીની થાય છે.
૧. દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહૂર્ત બાદ મરણ પામે છે અને એ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ પ્રદેશોદય દ્વારા ભોગવાઈ જાય છે માટે અંતર્મુહૂર્ત ન્યૂન કહી છે. અને આવલિકા ન્યૂન વીસ કોડાકોડીની તો દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા જ હોય છે. કોઈપણ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની પોતાની મૂળ પ્રકૃતિની સ્થિતિ જેટલી સત્તા જ થતી નથી. માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા કેમ ન કહી એ શંકા કરી છે. ઉત્તરમાં એમ જણાવ્યું છે કે એ આવલિકા અમે અંતર્મુહૂર્તમાં સમાવી છે અને અંતર્મુહૂર્ત મોટું લેવાનું છે.