Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદીરણાકરણ
૫૧૭
ઉદય હોય ત્યારે ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ હોતા નથી, પરંતુ મધ્યમ પરિણામ હોય છે એટલે તેનો ઉદય ન હોય ત્યારે તીવ્ર સંક્લિષ્ટ પરિણામે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત ગયા પછી જ ઉદયમાં આવે છે. ઉદય હોય ત્યારે જ ઉદીરણા થાય છે, માટે અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
તથા મનુજગતિ, સાતવેદનીય, સ્થિરાદિ ષટ્ક, હાસ્યાદિષક, ત્રણ વેદ, શુભ વિહાયોગતિ પ્રથમ સંઘયણ પંચક, પ્રથમ સંસ્થાન પંચક અને ઉચ્ચ ગોત્રરૂપ ઓગણત્રીસ ઉદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય સમજવી. અહીં બંધાવલિકા, સંક્રમાવલિકા અને ઉદયાવલિકા એમ ત્રણ આવલિકા સમજવી. અહીં મનુષ્યગતિ · આદિમાં ઉત્કૃષ્ટ કેટલી સ્થિતિ સંક્રમે છે, સંક્રમ્યા પછી તેની કેટલી સ્થિતિની સત્તા થાય છે અને તેમાંથી કેટલી ઉદીરે છે એ સઘળું લક્ષ્યમાં રાખી ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા કહેવા યોગ્ય છે.
જેમ કે—નરકગતિની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની એમ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમે, જેમાં સંક્રમે તેની ઉદયાવલિકા ઉપર જ સંક્રમે, કારણ કે જેની સ્થિતિ સંક્રમે છે તેની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે છે. એટલે જ જેમાં સંક્રમે તેની ઉદયાવલિકા મેળવતાં એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય. સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા થાય, એટલે ઉપર કહી તે પ્રમાણે ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે. અહીં દરેક સ્થળે બે કે ત્રણ આવલિકા કે અન્તર્મુહૂર્ત ન્યૂન જેટલો કાળ ઉદીરણાને અયોગ્ય કહ્યો છે, તેટલો અદ્ધાચ્છેદ સમજવો. અને જે જે પ્રકૃતિનો જેને જેને ઉદય હોય તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો તેની તેની ઉત્કૃષ્ટસ્થિતિની ઉદીરણાના સ્વામી સમજવા. ૩૦ हयसेसा तित्थठिई पल्लासंखेज्जमेत्तिया जाया ।
तीसें सजोगि पढमे समए उद्दीरणुक्कोसा ॥३१॥
हतशेषा तीर्थस्थितिः पल्यासंख्येयमात्रा जाता ।
तस्याः सयोगिनः प्रथमे समये उदीरणोत्कृष्टा ॥३१॥
અર્થ—ઓછી થતા થતા તીર્થંકરનામકર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર સ્થિતિ શેષ રહી. સયોગીના પ્રથમ સમયે તેની જે ઉદીરણા તે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે. ટીકાનુ—કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં અપવત્ત્ત-અપવર્તીને=અપવર્ઝના કરણ વડે ઓછી કરી કરીને તીર્થંકર નામકર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ માત્ર સ્થિતિ બાકી રાખી.
૧. અહીં શંકા થાય કે તીર્થંકર નામકર્મની સ્થિતિ ત્રીજે ભવે તો નિકાચિત બાંધી પછી તેની અપવર્ત્તના કેમ થાય ? નિકાચિત બંધ કર્યા પછી અપવર્ત્તના કેમ ? શંકા બરાબર છે. જેટલી સ્થિતિ નિકાચિત થાય છે તેની તો અપવર્ઝના થતી નથી. પરંતુ વધારાની સ્થિતિની અપવર્ઝના થાય છે. જીવ સ્વભાવે જે સમયોમાં તીર્થંકર નામકર્મ નિકાચિત થાય છે, ત્યારથી તેનું જેટલું આયુ બાકી હોય તેટલું ભવાંતરનું અને ત્યારપછીના મનુષ્યભવનું જેટલું આયુ થવાનું હોય તેટલી જ સ્થિતિ નિકાચિત થાય છે, અધિક થતી નથી. એટલે નિકાચિત સ્થિતિ તો ભોગવીને જ ખલાસ કરે છે. તેની ઉપરની જે સ્થિતિ રહી કે જેમાં કરણો લાગી શકે તેને ઓછી કરી સયોગીના પ્રથમ સમયે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ રાખે છે અને તેની ઉદીરણા કરે છે કે જે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે, એમ સમજાય છે.