Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૦
પંચસંગ્રહ-૨
પરમાણુરૂપ દલિકોને ખેંચીને પતઘ્રહ પ્રકૃતિરૂપે સંક્રમાવતો નથી અર્થાત્ સંક્રમનારી પ્રકૃતિમાં રહેલાં દલિકોને ખેંચીને પતધ્રહ પ્રકૃતિરૂપે કરતો નથી. જો એમ થાય તો પરમાણુરૂપ દલિકોનો સંક્રમ પ્રકૃતિસંક્રમ કહેવાય નહિ. કારણ કે પરમાણુનો જે સંક્રમ તે પ્રદેશસંક્રમ કહેવાય, પ્રકૃતિસંક્રમ નહિ.
હવે કદાચ એમ કહેવામાં આવે કે પ્રકૃતિ એટલે સ્વભાવ તેનો જે સંક્રમ તે પ્રકૃતિસંક્રમ, તો તે પણ અયોગ્ય છે. કારણ કે કર્મ પરમાણુઓમાં રહેલા જ્ઞાનાવારત્વાદિ સ્વભાવને અન્યમાં સંક્રમાવવો અશક્ય છે, કેમ કે પુદ્ગલોમાંથી કેવળ સ્વભાવને ખેંચી શકાતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં પ્રકૃતિસંક્રમ ઘટી શકતો નથી માટે તેનું પ્રતિપાદન વંધ્યાના પુત્રના સૌભાગ્યાદિ ગુણોના વર્ણન કરવા જેવું છે.
સ્થિતિ અને અનુભાગ સંક્રમના વિષયમાં જે આગળ ઉપર કહેશે તે પણ અયુક્ત છે, કારણ કે વિચાર કરતાં તે બંને ઘટી શકતા નથી. કેમ ઘટી શક્તા નથી ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે, તે આ પ્રમાણે–નિયતકાલ પર્યત અમુક સ્વરૂપે રહેવું તે સ્થિતિ કહેવાય છે. કાળ અમૂર્ત હોવાથી અન્યમાં સંક્રમાવવો–અન્ય સ્વરૂપે કરવો તે અશક્ય છે. અનુભાગ એ રસ છે અને રસ એ પરમાણુઓનો ગુણ છે. ગુણો ગુણી સિવાય અન્યમાં સંક્રમાવી શકાતા નથી–અન્ય રૂપે કરી શકાતા નથી. અને ગુણી-ગુણવાળા પરમાણુઓનો જે સંક્રમ તે તો પ્રદેશસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે વિચારતાં સ્થિતિસંક્રમ અને અનુભાગ સંક્રમ પણ ઘટી શક્તા નથી.
હવે આચાર્ય મહારાજ ઉત્તર આપતાં કહે છે–સંક્રમની પ્રકૃતિઓને પરમાણુઓ જ્યારે પતંગ્રહ પ્રકૃતિરૂપે થાય છે ત્યારે તદ્ગત સ્વભાવ, સ્થિતિ અને રસ પણ પતધ્રહ પ્રકૃતિના સ્વભાવ, સ્થિતિ અને રસને અનુસરતા થાય છે. તાત્પર્ય એ કે જે કર્મપ્રકૃતિના જેટલા સ્થાનકના અને જેટલા રસવાળા જેટલા કર્માણુઓ જે સ્વરૂપે થાય છે તેટલા સ્થાનકના તેટલા રસવાળા પરમાણુઓ તેટલા કાળપર્યત તે સ્વરૂપે કાર્ય કરે છે, એટલે કે જે સમયે જે કર્મપ્રકૃતિના પરમાણુઓ પતગ્રહરૂપે થાય છે તે જ સમયે તર્ગત સ્વભાવ, સ્થિતિ અને રસ પણ તે રૂપે જ થાય છે એટલે પરમાણુમાંથી સ્વભાવ, સ્થિતિ કે રસને ખેંચીને અન્યમાં કઈ રીતે સંક્રમાવી શકાય એ પ્રશ્નને અવકાશ રહેતો નથી.
આ જ અર્થને વિસ્તારથી સમજાવે છે–પ્રકૃતિ એટલે જ્ઞાનાદિ ગુણને આવરવારિરૂપ કર્મોનો સ્વભાવ, સ્થિતિ એટલે નિયત કાલપર્યત અવસ્થાન–રહેવું, અને તે પણ કર્મ પરમાણુઓનું આત્મા સાથે અમુક કાલપર્યત રહેવારૂપ અવધિ–મર્યાદા વિશેષ જ છે. અનુભાગ એટલે અધ્યવસાયને અનુસરી ઉત્પન્ન થયેલ આવારક શક્તિરૂપ રસ, અને આ ત્રણેના આધારભૂત જે પરમાણુઓ તે પ્રદેશ છે. આ પ્રમાણે હોવાથી પરમાણુઓને જ્યારે પર પ્રકૃતિમાં સંક્રમાવે અને સંક્રમાવીને જ્યારે પર પ્રકૃતિરૂપે કરે ત્યારે પ્રકૃતિસંક્રમ આદિ સઘળું ઘટી શકે છે.
તે આ પ્રમાણે–સંક્રમ્સમાણ પરમાણુઓના સ્વભાવને પતધ્રહ પ્રકૃતિના સ્વભાવને અનુસરતો કરવો તે પ્રકૃતિસંક્રમ, સંક્રમતા પરમાણુઓની અમુક નિયત કાલપર્યત રહેવારૂપ