Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રસ્તાવના
૩૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ ગ્રંથ ભણવાની પ્રેરણા -
----------- શ્રી મહેસાણા પાઠશાળામાં મેં વિક્રમ સંવત ૨૦૦૪ થી ૨૦૧૦ સુધી કુલ ૭ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત તથા ધાર્મિક કેટલાક ગ્રંથોનો અભ્યાસ કર્યો પરંતુ દ્રવ્યાનુયોગના ગ્રંથોનો અભ્યાસ કરવાનો યોગ ત્યાં આવ્યો ન હતો. વિક્રમ સંવત ૨૦૧૨માં અમદાવાદમાં આવવાનું થયું. ત્યાં ઉજમફઈની ધર્મશાળામાં વિક્રમ સંવત ૨૦૧૩માં પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ હતા. તેઓશ્રીની નિશ્રામાં પૂજ્ય સાધુભગવંતોને તથા પૂજ્ય મૃગેન્દ્રશ્રીજી મ. સા. આદિ સાધ્વીજી મ.શ્રીઓને પંડિતવર્ય શ્રી શાન્તિલાલ કેશવલાલ શાહ આ રાસનું વિવેચન સમજાવતા હતા. આચાર્ય મહારાજશ્રીએ મને આ ધાર્મિક વર્ગમાં બેસવાનું સૂચન કર્યું ત્યારે સૌથી પ્રથમ મને આ ગ્રંથનો યત્કિંચિત્ સ્પર્શ થયો.
ત્યારબાદ પંડિતજી શ્રી શાન્તિભાઈ પાસે મેં આ ગ્રંથનો પદ્ધતિસર અભ્યાસ કર્યો. તેઓશ્રીની અંદરથી વાત્સલ્યભરી અમૃતસરખી પણ બહારથી કંઈક કડવી લાગતી વાણીથી કંઈક વિશેષ અર્થબોધ થયો. પરંતુ તેઓની જ પ્રેરણાથી અમારી પાઠશાળામાં જ આ પાઠ ભણાવવાનો મેં ચાલુ કર્યો. તેમાં તેઓશ્રી લગભગ દરરોજ આવતા. આ રીતે તેઓશ્રીની પાસેથી મને આ ગ્રંથ કંઈક વધારે સમજાયો. વારંવાર ભણાવવાથી અને શ્રી શાન્તિભાઈની પુરેપુરી કૃપાદ્રુષ્ટિથી તથા વર્ગમાં ભણવા આવતાં બુદ્ધિશાળી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓની સહાયથી આ ગ્રંથ કંઈક અંશે હું જાણી શક્યો છું. આ સમયે આ સર્વેનો હું ઉપકાર તથા આભાર માનું છું.
વિવેચન લખવાની પ્રેરણા :
----------- પાઠશાળામાં વારંવાર આ ગ્રંથ ભણાવવાથી અંતઃસ્કુરણા થઈ કે જો આ ગ્રંથનું વિવેચન લખી શકાય તો ઘણું સારું થાય. વળી આ વર્ગમાં અભ્યાસ કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ વારંવાર ઘણી જ પ્રેરણા કરી કે આ ગ્રંથનું વિવેચન સરળભાષામાં તૈયાર કરો. તથા આ વર્ગમાં પ્રતિદિન સાંભળવા આવતા થરાદનિવાસી શેઠશ્રી રસિકલાલ કાળીદાસ વોરા, શેઠ શ્રી બાબુભાઈ મોહનલાલ તથા સંઘવી શ્રી પ્રવિણભાઈ વાઘજીભાઈ આદિએ પણ વારંવાર વિશેષ પ્રેરણા કરી. છેલ્લા ૭-૮ વર્ષોથી એટલે કે વિક્રમ સંવત ૨૦૫૨-૨૦૧૩ થી જ આ ગ્રંથ ઉપર વિવેચન લખવાનું શરૂ કરેલું. પરંતુ બીજાં કેટલાંક કારણોસર આ લખાણનું કામકાજ ધીમું પડી ગયેલું. છેલ્લા બે વર્ષોથી એકધારી આ વિવેચન તૈયાર કરવામાં મહેનત કરી છે. ગ્રંથ લાંબો અને કંઈક કઠીનાઈ ભર્યો હોવાથી વિવેચન પણ કંઈક લાંબુ થઈ ગયું છે. કારણકે શક્ય બની શકે તેટલી ભાષાની સરળતા અને વિષયને સમજવા-સમજાવવામાં વધારે સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે.