Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
૩૩
તેરમી ઢાળમાં ઃ
૧૧ સામાન્ય સ્વભાવો અને ૧૦ વિશેષસ્વભાવો આમ કુલ ૨૧ સ્વભાવો ઉપર નયો ઘટાવવામાં આવ્યા છે. આ એક એક સ્વભાવ કયા કયા નયથી સંભવે ? તે નયોની વિવક્ષા આ ઢાળમાં સમજાવી છે.
ચૌદમી ઢાળમાં ઃ
પર્યાયોનું વર્ણન આ ઢાળમાં છે. પર્યાયના પ્રધાનતાએ ૨ ભેદ છે (૧) વ્યંજન પર્યાય, અને (૨) અર્થપર્યાય. દીર્ઘકાલવર્તી પર્યાય કે જે શબ્દો (વ્યંજનો) દ્વારા બોલી શકાય જેમ કે જીવનો મનુષ્યપર્યાય, તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણ-ક્ષણના એક-એક સમયવર્તી પર્યાય કે જે શબ્દોથી બોલી ન શકાય પણ અર્થમાં (પદાર્થમાં) હોય જ તે અર્થપર્યાય.
તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય આમ બન્નેના દ્રવ્ય-ગુણ એમ બે બે ભેદ છે તેના પણ શુદ્ધઅશુદ્ધ આમ બે બે ભેદ છે. એટલે ૨×૨૪૨=૮ ભેદો પર્યાયના થાય છે. ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો કે જે વ્યવહારનયથી અપરિણામી છે. તેમાં પણ નિશ્ચયનયથી આ અષ્ટવિધ પર્યાયો હોય જ છે. તેથી તે ત્રણ દ્રવ્યો પણ નિશ્ચયનયથી પરિણામી જ છે. છએ દ્રવ્યો ત્રિપદીયુક્ત હોવાથી પરિણામી નિત્ય છે. પણ કૂટસ્થ નિત્ય કે ક્ષણિક માત્ર નથી.
‘જલ’ પોતે નિયતાકારવાળું નથી. ઘટમાં ભરીએ તો ઘટાકા૨પણે બને અને તપેલામાં ભરીએ તો તપેલાના આકારે બને, તેમ ધર્મ-અધર્મ દ્રવ્યો પણ લોકાકાશવ્યાપી હોવાથી તે આકારે પરિણામ પામ્યા છે. તેથી તે દ્રવ્યોમાં પણ પર્યાય છે. તથા ગતિ-સ્થિતિ-અવગાહના કરતા જીવ-પુદ્ગલોને સહાયક થવાના પર્યાયમાં આ ત્રણે દ્રવ્યો વર્તે છે તેથી પણ પરિણામી છે.
પંદરમી ઢાળમાં ઃ
‘જ્ઞાનગુણ’ એ જીવનમાં ઉદ્યોત-પ્રકાશ લાવનાર છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર છે. ભવસાગરમાં જહાજ સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા ખાઆ સમાન છે અને ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્યસમાન છે. જ્ઞાનગુણ યુક્ત ક્રિયાસંપન્ન જે મુનિઓ છે તે ધન્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જે ગીતાર્થનિશ્રાએ વિહાર કરે છે તે મુનિઓ પણ ધન્ય છે. જે જ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવાની ઉપેક્ષા કરીને અજ્ઞાનમાં જ રચ્યા-પચ્યા રહેતા છતા કપટપૂર્વક ક્રિયા કરી માન વહન કરે છે તે નિર્દોષ માર્ગે નથી. જ્ઞાનદશાની ઉપેક્ષા કરી સ્વતંત્રપણે વિચરતા અને બાહ્યભાવમાં જ રાચતા મુનિઓને આ ઢાળમાં ઘણો ઉપાલંભ આપ્યો છે. જે ખરેખર ભાવથી મનન કરવા જેવો છે.
૩