________________
મેં વાંચ્યું તમે પણ વાંચો.
આજની આધુનિક શિક્ષણપ્રણાલી
-પ્રો.નવઘણસિંહ વાઘેલા બાળવિકાસમાં અવરોધક પરિબળો:
આજે બાળકને શિક્ષણ આપવાની ઉંમર નાની બનતી જાય છે. બાળકના હોઠ પરનું માતાનું દૂધ સુકાય ત્યાં જ તેને શિક્ષણ આપવા માંડવું કેટલું વાજબી છે? હજી તો પુરું બોલતાં આવડે ત્યાં જ કમ્યુટર શીખવવા લાગી પડવું એ શિક્ષણનો અતિરેક નહીં, આક્રમણ છે. હજી તો બાળકની બીજી વર્ષગાંઠ માંડ ઉજવાઈ હોય ત્યાં તો તેને પ્લેગ્રુપમાં ધકેલાય છે.ગઈ પેઢી જે ઉંમરે શિક્ષણનો પ્રારંભ કરતી હતી તેટલી ઉમરે પહોંચતા સુધીમાં તો આજનો બાળક પોતાની શૈક્ષણિક કારકિર્દીના ચોથા વર્ષમાં પહોંચી ગયો હોય છે. કદાચ ગર્ભસ્થ બાળકને પણ શીખવી શકે તેવી ટેકનોલોજી શોધાતાં પ્રેગ્નન્ટ સ્ત્રીને પણ ક્યાંકપ્રિ.નર્સરી કલાસીસ એટેન્ડ કરવા જવું પડે તેવા દર્દનાક અને દયનીય દિવસો તરફ સમાજ ધકેલાતો જાય છે.
બાળકને પ્લેગ્રુપમાં દાખલ કરી દેવાથી માતાના ખોળા નામની શિક્ષણ સંસ્થાને તાળું લાગે છે. અઢી વર્ષના બાળકને પ્લેગ્રુપમાં મોકલી દેનારા વાલીઓએ સમજવું જોઈએ કે સંયુક્ત કુટુંબ, વસ્તારી પરિવાર કે હૂંફાળા પાડોશીઓ જેવું અસરકારક પ્લેગ્રુપ બાળક માટે બીજું એકેય નથી. આજના માતા - પિતા, દેખાદેખી, સ્પર્ધાભાવ અને રેપિડ વિકાસની ધૂનમાં બાળકનું ઘોર અહિત કરી રહ્યા છે.વળી ઓછું હોય તેમ હસતા-ખીલતા અઢી વર્ષના બાળકનો ઇન્ટરવ્યુ લેવાની પદ્ધતિ જે અવૈજ્ઞાનિક બિનવ્યવહારુ, હાસ્યાસ્પદ અને જુલમી હોય તેવી લાગે છે કેમ કે “ગુલાબનું ફૂલ પ્રેશર કૂકરમાં બફાતું હોય તેવું લાગે છે.” નાની ઉંમરના બાળક ઉપર જ્યારે એકસાથે વધારે વિષયોનો બોજો નાંખી દેવામાં આવે ત્યારે અભ્યાસ ભારેખમ ભણતરથી વિદ્યાર્થી પોતાની ડેફિસિટ - મુક્તતા વેકેશનમાં પણ પૂરી કરી શકતો નથી.
| 8 ||