________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ઘણી વાર સુંદર બાગની બહારની બાજુએ જાહેર શૌચાલય બનાવાય છે પરંતુ ત્યાં ઊભા રહેતા લારીઓવાળાઓ, ફેરિયાઓએ તેને નર્કમાં ફેરવી નાખ્યું છે. ત્યાં શાકની લારીઓ આડેધડ ઊભી રાખે છે, શાક લેવા આવનાર ભાઈ-બહેનો આરામથી રોંગ સાઈડમાં પોતાનું વાહન ઊભું રાખી શાક ખરીદે છે. ત્યાં ઘણી વખત આવતી બસને રોકાઈ જવું પડે છે. તેને કારણે બીજા વાહનોને ધીમા પડી જવું પડે છે અને ડીઝલ-પેટ્રોલનો ખોટો ધૂમાડો થાય છે. પોતાની આસાની માટે બીજાને મુશ્કેલીમાં મૂકતા, નિયમોને તોડતા અશિષ્ટ આચરતા માણસોને સરકારનો વાંક કાઢવાનો કેટલો અધિકાર છે ? અમદાવાદમાં આવું ઘણી જગ્યાએ બની રહ્યું છે અને અકસ્માતો વધતા રહે છે. આવું હિન્દુસ્થાનમાં ઘણે સ્થળે બની રહ્યું છે.
આખું વર્ષ મોજ મઝામાં કાઢતા વિદ્યાર્થીઓ થોડાં અઘરાં પેપર આવે તો બૂમાબૂમ કરે છે. વિકલ્પો ના આપવામાં આવે તો બૂમાબૂમ કરે છે. યુનિવર્સિટીનો વાંક કાઢે છે. જીવનમાં સફળતા મેળવવા માટે શોર્ટકટ ચાલતા નથી. જે વિદ્યાર્થીઓ અઘરા પ્રશ્નોના જવાબ આપી શકે છે તે જ જીવનમાં કંઈક કરી બતાવતા હોય છે. લીલાલહેર કરનાર વિદ્યાર્થીઓમાંથી પાછળથી સફળ થયા હોય છે તે તેમની પાછળથી થયેલી મહેનત જ હોય છે. લીલાલહેર કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય નોકરી કરીને જ જીવન પસાર કરતા હોય છે.
યુવાન વાચકો, આ દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે જેટલી શિસ્તબદ્ધ મહેનત અને સમાજલક્ષી બનશો તેટલો તમને અને તમારા સંતાનોને લાભ થશે. જો આ અશિસ્ત ચાલતી રહેશે તો એક સમય એવો આવશે કે તમારા સંતાનો ઘરની બહાર પણ નહીં નીકળી શકે કારણ કે બહાર જતાં જ જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હશે.
–રોહિત પટેલ – યુવા ગુજરાત, તા. ૨૦/૦૬/૨૦૧૨
|| ૧૬૪ ||