________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સામાન્ય માનવીનું જીવનનિંદા –પ્રશંસાના પ્રવાહોમાં વધુ પ્રમાણમાં ખેચાતું દેખાય છે. ઘણા માણસોનિંદા સાંભળતા જ હિંમત હારી જાય છે.એમ પણ વિચારતા નથી કે કરનારની સામાજિક દૃષ્ટિએ યોગ્યતા કેટલી છે ? કેટલા લોકો તેનું કહ્યું માનવાના છે ?નિંદા કરવા જેવો તેનો અધિકાર છે કે નહિ ?નિંદાથી ડરવું એ નબળા મનની અને પોતાના કાર્ય પ્રત્યે અવિશ્વાસની પણ એક નિશાની છે. છતાં ચિત્તપ્રવૃત્તિઓનું પૃથક્કરણ કરતાં એમ લાગે છે કે નિંદા સાંભળતી વખતે માણસના મનમાં અપ્રગટ રીતે એમ થઈ આવે છે કે નિંદા કરનાર માણસ તેનો વિરોધી છે ને કામ બગાડયા વિના તે રહેશે જ નહિ. ઘણીવાર તો એક નિંદકમાં અનેકના દર્શન કરવા જેવી નબળાઈ પણ માણસમાં આવી જાય છે. જેમ ભયભીત માણસ દોરીમાં સાપને, ઝાડમાં ભૂતપ્રેતને અને માંદગીમાં મૃત્યુને જુએ છે. તેમ, નિર્બળ મનના માનવી એક કે બે ચાર માણસમાં આખા સમાજની કલ્પના કરી નાખે છે.
કપડા – ભોજન જેવી સામાન્ય બાબતથી માંડીને જીવનને ગંભીર રીતે સ્પર્શતી બાબતોમાં માણસ બીજાઓના અભિપ્રાયને વધુ પડતું વજન આપે છે. સાચી રીતે જોઈએ તો આ બધાની પાછળ ડર હોય છે.વિરોધનો, અંતરાયનો, દુશ્મનાવટનો, માણસ નિંદા સાંભળીને એમ માની લે છે કે નિંદા કરનાર સાંભળનારને એમાં રસ લેનાર હવે ડગલે ને પગલે તેના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરશે. આવા ભયથી તે ઘણીવાર પોતાનું કામ છોડી દે છે, બદલાવી નાંખે છે અથવા ઘીમું પાડી દે છે. વિરોધીઓ અને દુશ્મનો નિંદા કરે જ નહિ એમ કહેવાનો આશય નથી, પરંતુ નિંદકોનો એક સમૂહ લઈએ તો તેમાં આપણા માર્ગમાં મુસીબતો ઊભી કરે અથવા તો આપણને ઉખેડી નાખવા ઈચ્છે એવા લોકોનું પ્રમાણ અતિ અલ્પ જ હશે. મોટા ભાગના લોકો હલકા પ્રકારનો આનંદ માણવા કે પોતાને સારા દેખાડવા જ એપ્રવૃત્તિ કરતા હોય છે. બહુ થોડા લોકોનો ઈરાદો બીજાની નજરમાં આપણને ઉતારી પાડવાનો હોય છે ને અતિ જુજ માણસો જ સાચોસાચ વિરોધી હોય છે.
|| ૨૬૩ ||