________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
શરીરની બાજુથી શારીરિક આરોગ્ય જરૂરનું છે. તે પ્રમાણે માનવતાની દૃષ્ટિથી માનસિક નિરોગીતા જરૂર છે. તે નિરોગીતા ન હોય તો ધન વિદ્યા અને સામર્થ્ય જેવી બીજી કોઈ પણ વિશિષ્ટતા મનુષ્યનું કે માનવ જાતિનું કલ્યાણ કરી શકતી નથી. આવી નિરોગીતા સિવાય બીજી કોઈ પણ વિશિષ્ટતાનો સદુપયોગ થઈ શકતો નથી. જે વિશિષ્ટતા માનવ હૃદયનો હ્રાસ કરે છે તેનાથી માનવ જાતિનું કલ્યાણ થવું શક્ય નથી. તેથી માનવતાનો વિકાસ કરનાર વિશિષ્ટતાને આપણે મહત્ત્વ આપવું જોઈએ. તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહી પુરુષાર્થી બનવું જોઈએ. આ બધી બાબતો સિદ્ધ કરવા માટે આપણે પહેલેથી જ જીવન વિષયક ઉચ્ચ આદર્શધારણ કરવો જોઈએ. આસુરી સંપત્તિને માર્ગેન જતાં સજ્જનતાના માનવતાના માર્ગે જવાનો આપણે નિશ્ચય હોવો જોઈએ. પોતાની આદર્શ કલ્પનાનો વ્યવસ્થિત નકશો આપણા ચિત્તમાં હંમેશ રહેવો જોઈએ. ઘર બાંધવાનું નક્કી થયા પછી તેનુ કલ્પનાચિત્ર આપણા ચિત્તમાં પ્રથમ તૈયાર થાય છે અને ત્યાર પછી તે જાતનો નકશો કાગળ પર તૈયાર કરવામાં આવે છે. ઘર પૂરું થાય ત્યાં સુધીના તે વિષયના વધતા જતા જ્ઞાનથી મૂળ કલ્પનામાં ઈષ્ટ એવો ફેરફાર થતો જાય છે. પહેલાના નકશામાં ફરક પણ પડે છે, અને છેવટે ઉત્તમ પ્રકારનું સગવડવાળું ઘર તૈયાર થાય છે. ચિત્ર કાઢનાર અને મૂર્તિ ઘડનાર શિલ્પકારને પણ પોતાના ચિત્તમાં પોતપોતાના સાધ્યનું કલ્પનાચિત્ર બનાવવું પડે છે; એટલું જ નહિ પણ ધનની પાછળ લાગી ધનપતિ થવાની ઈચ્છા રાખનાર, બળની ઉપાસના કરી બળવાન થવાનો પ્રયત્ન કરનાર અથવા કોઈ પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર એ પૈકી દરેકને પોતપોતાના ઈષ્ટ અને વિશિષ્ટતાનું ચિંતન કરવું પડે છે. તે ચિંતનમાં જ તે ઈષ્ટ અને વિશિષ્ટતાનો નકશો તેના ચિત્તમાં તૈયાર થાય છે. પોતપોતાના આદર્શપ્રમાણે દરેક જણ પ્રયત્નશીલ રહી તેમાં યશસ્વી થાય છે. માનવતાનો આદર્શ જેણે દૃઢ કર્યો હોય છે તેને પણ તે પ્રમાણે હંમેશા ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહેવું પડે છે. અને તે પ્રમાણે રહીને તે તેમાં છેવટે યશસ્વી થાય છે.
|| ૩૨૬ ||