________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો મને સંકોચ તો થયો, પરંતુ ઈચ્છા દબાવી શકી નહી એટલે મેંતો જઈને એમનું બારણું ખખડાવ્યું. આવીને એમણે દરવાજો ઉઘાડયો કાંઈક આશ્ચર્ય અનુભવતાં મને આવકાર આપી અંદર લઈ ગયા. સંચો બંધ રાખીને આવ્યાં હતાં તે પાછો શરૂ કર્યો ને વિવેકથી મારા ને મામીના ખબર અંતર પૂછવા લાગ્યાં. મેં પણ એવું સામે પૂછ્યું. પછી રહેવાયું નહિ એટલે મેં કહ્યું : ‘‘માઠું ન લગાડો તો એક વાત પૂછુ.”
“પૂછોને,” સહજ રીતે એમણે કહ્યું.
મેં પૂછી નાંખ્યું, “મનીઓર્ડર કેમ પાછો મોકલ્યો ?’’
સૂરજબહેન કંઈ જવાબ આપે તે પહેલાં તો મેં કહી દીધું કે, “બધાના મનમાં આ વાતનું આશ્ચર્ય થાય છે ને કોઈ કશું જાણતું નથી.’’
“તે રાખીને ય શું કરું ?” નિઃસાસો નાંખીને એમણે કહ્યું. હું જરા મુંઝાઈ ગઈ, મે કહ્યું :
“એમ કેમ બોલો છો ? તમારા પતિએ પૈસા મોકલ્યા હતા અને તમારા ખર્ચ માટે મોકલ્યા હતા. તો પછી રાખવામાં શો વાંધો હતો ?
જવાબની આશા રાખતી હું એમની સામે તાકી રહી. પણ તેઓ તો નિરુત્તર રહી, નીચું જોઈ સંચો ચલાવવા લાગ્યા, સંચાની ઝડપ પર એમના મનની ક્રિયાઓ કંઈક સમજાતી હતી. અંતરમાં જાણે કે સંસ્મરણોનો ઉભરો ચડયો હતો ને એ ઉભરાને બેસાડી દેવા એ પ્રયાસ કરતાં હોય એવું દેખાતું હતું. આ સ્થિતિમાં ફરીવાર સવાલ કરવાનું મને રૂચ્યું નહિ. હું મુંગી જ બેસી રહી.
પરંતુ થોડીવાર પછી પોતાના પ્રયત્નમાં જાણે એ સફળ થયા હોય એમ સંચાની ગતિ મંદ પડી ને સ્વસ્થ સ્વરે બોલ્યા ઃ
“વાત બહુ લાંબી છે બહેન, એમ થાય છે કે એવી વાત કરી બીજા કોઈને દુઃખી શા સારું કરવા ?’
|| ૨૧૦ ||