________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
કલ્પના પણ સામાન્ય જગતને નહોતી તે જમાનામાં મનીષી પુરુષોએ આગમ ગ્રંથોમાં પાણીના પ્રત્યેક બિંદુમાં રહેલા સૂક્ષ્મતમ જીવોની સંખ્યાનું અદ્ભુત વર્ણન વગર માઈક્રોસ્કોપે કર્યું છે તે મસ્તક ઝુકાવી દે તેવું છે. પાણીના પ્રત્યેક બિંદુમાં રહેલી અગણિત જીવોની સૃષ્ટિનું વર્ણન ગણિતિક આંકડાઓના ગજા બહારનું હોવાથી સંબોધિસત્તરી ગ્રંથમાં તેનું કલ્પનાતીત વર્ણન કરતા એમ લખ્યું છે કે, એ ઉદકબિંદુમાં રહેલા સૂક્ષ્મતમ જીવો જે અસત્ કલ્પનાથી પોતાનું શરીર સરસવના દાણા જેટલું કરી લે તો ૩૨૦૦ લાખ માઈલ લાંબા પહોળા જંબુદ્રીપમાં પણ સમાય નહિ. પોતાના કયિતવ્યને સામાવાળાના હૃદયને સ્પર્શી જાય તે રીતે રજુ કરવાની આ પ્રભાવશાળી રીતથી એક વાર જેનું હૈયું વિંધાઈ જાય તે વ્યક્તિ પાણીના પ્રત્યેક ટીપાનો ઉપયોગ કેવી રીતે કરે અને એ માટે જ જૈન ધર્મી પરિવારોમાં ઉછરતાં બાળકને ગળથૂથીમાંથી જ એવા સંસ્કાર આપવામાં આવતા કે બેટા, પાણી તો ઘીની જેમ વાપરવું જોઇએ. આપણને તો જ્યારે કૂવો સૂકાય ત્યારે પાણીની કિંમત સમજાતી હોય છે અને તેમાંય રાજકારણીઓ તો કો'કનું ઘર બળતું હોય ત્યારે તેને ઓલવવાને બદલે એની ઊની આંચ પર પોતાની ખીચડી પકાવી લેતા તકસાધુઓની જેમ સુકાયેલા કૂવા કે દુકાળના ઓળાનો ઉપયોગ પણ પોતાની ગાદી સ્થિર અને તિજોરી તર કરી નાખનાર યોજનાઓ લોકોના ગળે ઉતારવા જ કરતા હોય છે. પરંતુ દિવસે દિવસે વધુને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરનારી પાણીની અછતની વિશ્વવ્યાપક સમસ્યાનો સાચો ઉકેલ વિરાટકાય બંધો કે પાતાળકૂવા દ્વારા ભૂગર્ભમાં જળ શોષી લેવામાં નહિ, પણ પાણી ઘીની જેમ વાપરવાની પેલા અભણ ડોશીમાંની સલાહમાં રહેલો છે તે નક્કી. ભારતના અજાણ ગામડાનાં ઘરડાં ડોશીમાનું આ વાક્ય પાણી બચાવોની વિશ્વવ્યાપી ઝુંબેશનો મુદ્રાલેખ બની જવો જોઇએ. -અતુલ શાહ વિક્રમ સવંત ૨૦૪૭
CD
|| ૬ ||