________________
ડૉ. શુલિંગ
૪૭
તેઓને વિજ્ઞાનના અધ્યયન પ્રત્યે વિશેષ રુચિ ન હતી, પણ એમની કામ કરવાની અને પ્રાચીન ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન અને સંશોધન-સંપાદન કરવાની પદ્ધતિ, એમના પુરોગામી વિદ્વાનોની જેમ, બિલકુલ વૈજ્ઞાનિક અને શ્રેષ્ઠ નમૂનારૂપ હતી.
સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. શુસ્પ્રિંગને પોતાના ગુરુ પ્રો. લૉયમન ઉપરાંત પ્રો. વેબર, પ્રો. પિશલ અને પ્રો. હર્મન યાકોબી જેવા ભારતીય વિદ્યાના પ્રકાંડ પંડિતોના સહવાસનો લાભ મળ્યો. ક્રમે-ક્રમે એમનું મન ભારતીય વિદ્યા તરફ અને ખાસ કરીને, એમના ગુરુ પ્રો. લૉયમનની પ્રેરણા અનુસાર, જૈન વિદ્યા તરફ ઢળ્યું. પોતાના પીએચ.ડી.ની ડિગ્રીના મહાનિબંધ(થિસિસ)ના વિષય તરીકે તેઓએ ‘બૃહત્કલ્પસૂત્ર’નાં સંપાદનને પસંદ કર્યું; અને એમાં તેઓ સને ૧૯૦૪માં સફળ થયા. આ પછી તેઓએ સને ૧૯૦૫થી ૧૯૨૦ સુધી, લગાતાર પંદર-સોળ વર્ષ લગી, બર્લિનના એક ગ્રંથાલયમાં વિદ્યાનિષ્ઠ ગ્રંથપાલ (ઍકેડેમિક લાઇબ્રેરિયન) તરીકે કામ કર્યું. આ સમય દરમ્યાન એમણે જૈન હસ્તપ્રતોની જે વિસ્તૃત અને વિશિષ્ટ યાદી તૈયાર કરી, તે પણ તેઓનાં ખંત, ધીરજ અને ચીવટની સાક્ષી પૂરે એવી છે. આ યાદી ઘણાં વર્ષો બાદ, બીજા વિશ્વયુદ્ધ પછી, પ્રકાશિત થઈ છે.
માતા સરસ્વતી પોતાના આ અબોલ ભક્તની ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનો લાભ વિદ્યા-ઉપાસકોને વ્યાપક રૂપમાં મળે એમ જાણે ઝંખી રહ્યાં હતાં. સને ૧૯૨૦માં ડૉ. શુસ્પ્રિંગની હંબુર્ગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાની પીઠના (ઇન્ડોલોજીની ચરના) અધ્યાપક તરીકે નિમણૂક થઈ. આ સ્થાને ત્રીસ વર્ષ સુધી એક ઋષિની જેમ પૂર્ણ એકાગ્રતાપૂર્વક વિઘાકાર્ય કરીને સને ૧૯૫૦માં તેઓ નિવૃત્ત થયા; અને નિવૃત્ત થયા પછી પણ, એવી જ ધગશ અને ભક્તિથી, છેવટ સુધી વિદ્યાસાધના અને એ દ્વારા જીવનસાધના કરતા રહ્યા. (એમની જગ્યાએ, સને ૧૯૫૦થી, જાણીતા વિદ્વાન અને એમના શિષ્ય ડૉ. લુર્વિંગ આલ્સડોર્ફ કામ કરી રહ્યા છે.)
તેઓએ જૈનધર્મનો અધિકૃત પરિચય આપતું પુસ્તક જર્મન ભાષામાં લખ્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ પાંચેક વર્ષ પહેલાં ‘ડૉક્ટ્રીન ઑફ જૈનઝ’ નામે પ્રસિદ્ધ થયો છે. જૈન આગમગ્રંથોમાં છેદસૂત્રોના તો તેઓ નિષ્ણાત વિદ્વાન હતા એમ કહેવું જોઈએ. છ છેસૂત્રોમાંથી બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર અને મહાનિશીથ એ ચાર સૂત્રોનું તો તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. ઉપરાંત ‘આચારાંગસૂત્રના એક ભાગનું, ‘ઇસિભાસિયાઇ'નું, ‘ગણિવિજ્જા'નું તેઓએ સંપાદન કર્યું હતું, અને એમના ગુરુ પ્રો લૉયમને સંપાદિત કરેલ ‘દશવૈકાલિકસૂત્ર’નો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. તેઓએ સન ૧૯૨૭-૨૮ અને પછી સને ૧૯૪૦, એમ બે વાર ભારતની મુલાકાત લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org