________________
૧૩૭
અમૃત-સમીપે
ધ્યાનમાં સમય અને શક્તિનો સદુપયોગ કરનારા કેવા આદર્શ સાથૈ હતા. આથી જ દિલ્હી- સંઘે એમને ‘જૈનાગમ-રત્નાકર'ની માનભરી પદવીથી અલંકૃત કર્યા હતા, અને સંઘમાં તેઓ ‘જૈનધર્મ-દિવાકર' કહેવાતા.
એમની સ્મરણશક્તિ અસાધારણ હતી; કયા આગમમાં કઈ વાત ક્યાં ઉલ્લેખવામાં આવી છે એ હકીકત તો જાણે એમની જીભને ટેરવે રમતી હતી. એ દ્વારા પોતાની પાસે આવનારને, એની પાત્રતા પ્રમાણે શાસ્ત્રની ધર્મવાણીનું કંઈક ને કંઈક ભાતું આપીને જ એમના આત્માને સંતોષ થતો હતો.
સરળતા, સહૃદયતા અને નમ્રતાના ગુણોએ એમના જીવનને વિશેષ ભવ્ય અને સન્માનને યોગ્ય બનાવ્યું હતું. સુદીર્ઘકાળ-પર્યંત જ્ઞાન અને ચારિત્ર દ્વારા જીવનની સાધના કરનારશ્રી આત્મારામજી મહારાજ ધર્મજીવનના એક સાચા શિલ્પી અને એક આદર્શ આચાર્ય બની રહ્યા હતા. ૮૧ વર્ષની વયે, લીવરના કેન્સરની બે-એક માસ જેટલી બીમારીને અંતે, એમના પવિત્ર અને શક્તિશાળી આત્માએ કાયાના ર્ણ થયેલા પિંજરનો ત્યાગ કર્યો.
(તા. ૧૦-૨-૧૯૬૨)
(૬) શાસ્ત્રાભ્યાસી, ચારિત્રારાધક આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરિજી
જીવનસાધક સંતોએ પોતાની નિર્મળ સાધનાને અંતે અજર-અમરસનાતન સત્યની શોધ કરીને કહ્યું કે આત્મતત્ત્વ એ જ વિશ્વનું સાચું અમૃત. દોડાદોડ કરતા જગતને સાચા અમૃત-તત્ત્વની પિછાણ કરાવવા માટે, સમયે-સમયે, તપ-ત્યાગ-વૈરાગ્ય-સંયમ-તિતિક્ષાના માર્ગને વરેલા આત્મસાધક સંતો આવતા જ રહે છે. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી જૈનસંઘના આવા જ એક પ્રભાવક સંતપુરુષ હતા.
આ આચાર્યપ્રવરે પોતાની જીવનવાટિકામાં શીલ અને પ્રજ્ઞાનાં સુકુમાર, સુંદર અને સૌરભ પ્રસરાવતાં ફૂલડાં ખીલવ્યાં હતાં. એ ફૂલડાંએ એના ખીલવનાર બાગબાનનું જીવન કૃતાર્થ કરી આસપાસના માનવસમૂહોને પણ એનો લાભ આપ્યો હતો. અમૃતનો આ જ અપૂર્વ મહિમા છે સ્વ અને પરના ભેદ ત્યાં ભૂંસાઈ જાય છે! આ અદ્ભુત અનુભવ જ સાધકના અંતરમાં વિશ્વમૈત્રી જગવે છે અને એને સિદ્ધ કરવા પુરુષાર્થની અદમ્ય પ્રેરણા પણ આપે છે.
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org