________________
૩૧૩
અમૃત સમીપે (૨) મહાન કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ
મહાત્મા ગાંધીજીના નિર્વાણ પછી આપણા દેશના અનેક મહાપુરુષો સ્વર્ગવાસી બન્યા; એમાંના કેટલાક તો એવા હતા કે એમનું સ્થાન હજી સુધી પણ ખાલી જ છે, અને એ ક્યારે ભરાશે એ એક સવાલ છે. કેવળ ગુજરાતના જ નહીં, પણ દેશના એક મહાન કેળવણીકાર શ્રી નાનાભાઈ(નૃસિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ)ના તા. ૩૧-૧૨-૧૯૬૧ના રોજ સવારના સણોસરા મુકામે થયેલ સ્વર્ગવાસથી દેશના આવા જ એક મહાન પુરુષનો આપણને વિયોગ થયો છે. એમનું સ્થાન ક્યારે પુરાશે એ કહેવું મુશ્કેલ છે.
સાદું જીવન, ઉચ્ચ વિચારો, રાષ્ટ્રસેવાની ભાવના, જ્યાં સાચું હિંદુસ્તાન વસે છે એ ગામડાંનાં ભલાં-ભોળાં માનવીઓના કલ્યાણની ઉત્કટ તમન્ના અને કેળવણી પ્રત્યેની જન્મજાત પ્રીતિ – આવા અનેક ગુણોએ શ્રી નાનાભાઈને શહેરી કેળવણી અને સુખ-શાંતિભરી સુંવાળી જિંદગીનો માર્ગ તજાવીને ગામડાની કેળવણીના કાંટા-કાંકરાથી ભરેલા કઠોર માર્ગના પ્રવાસી બનાવ્યા હતા. અથવા એમ જ કહેવું જોઈએ કે તેઓ સ્વન્ત:સુધી પોતાના જીવનના આનંદની ખાતર) હોંશે-હોંશે આ મુશ્કેલ માર્ગના મુસાફર બન્યા હતા.
- મહાત્મા ગાંધીજીએ દેશની પાયાની કેળવણી માટે જે ક્રાંતિકારી યોજના તૈયાર કરી હતી, તેને પૂર્ણ નિષ્ઠા, પૂર્ણ યોગ અને પૂર્ણ પુરુષાર્થ સાથે અમલી કરનાર જે આંગળીને ટેરવે ગણી શકાય એવા કેળવણીકારો આપણે ત્યાં થઈ ગયા અને અત્યારે હયાત છે, એમાં શ્રી નાનાભાઈનું નામ અને કામ મોખરે રહે એવું છે.
ગાંધીજીની પાયાની કેળવણીની યોજનાનો એટલે કે ગ્રામ્ય કેળવણીનો વિસ્તાર કરીને એને વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) સુધી પહોંચાડવા માટે અને એ રીતે ગ્રામ્ય જનતાનો અભ્યદય સાધવા માટે શ્રી નાનાભાઈએ જે અવિરત મહેનત કરી હતી, એની કથા આપણા દેશના કેળવણીના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થાય એવી છે. આ રીતે શ્રી નાનાભાઈની સેવાઓનું મૂલ્યાંકન કરતાં લાગે છે કે શ્રી નાનાભાઈ અમર બની ગયા છે.
શ્રી નાનાભાઈ એક સમર્થ કેળવણીકાર હોવા ઉપરાંત સમર્થ લેખક અને ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી પણ હતા. એમણે લખેલાં પુસ્તકો ગુજરાતી ભાષાની ચિરકાલીન સંપત્તિ બની રહે એવાં છે. આમ છતાં એમણે પોતે વિદ્વાન હોવાનો કદી દાવો કર્યો નથી; અને ગમે તેવા ઉચ્ચ પદે પહોંચવા છતાં પોતાની જાતને “નિશાળના મહેતાજી' તરીકે ઓળખાવવામાં જ આનંદ અને ધન્યતા અનુભવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org