________________
૩૮૯
શ્રી કે. લાલ (૧) માયાજળના અનુપમ કસબી સંસ્કારમૂર્તિ શ્રી કે. લાલ
ફૂટડો નવજુવાન; તરવરિયો પણ એવો જ ! મનમાં કંઈ-કંઈ મનોરથો કરે છે; અગમ-નિગમના ખેલોમાં એનું ચિત્ત અટવાયા કરે છે. સામાન્ય માનવીના જેવું જીવન જીવવું એને રુચતું નથી. તન ગમે ત્યાં ગોઠવાયું હોય, મન તો પોતાની મોજમાં જ રમતું કરે છે !
મન માનતું નથી તો ય એ દુકાને બેસે છે, કુળપરંપરાને જાળવવા વેપાર ખેડે છે, વડીલોને રીઝવવા ઘરાગી સાચવે છે. કલકત્તાના સરિયામ રસ્તા ઉપર એની દુકાન; વેચાણમાં બનારસી અને ઢાકાની સાડીઓ, અને બીજો ફેન્સી માલ.
જાણે એની કાયામાં કામણ છે, બોલીમાં કરામત છે અને રીતભાતમાં વશીકરણ છે : ઘરાગ વાતવાતમાં બમણો-ત્રમણો માલ હોંશે-હોંશે ખરીદી જાય છે.
જાણે વેપારનો અજબ જાદુ એને વર્યો છે. એનું નામ છે કે. લાલ !
.
આજથી આશરે બે-અઢી વર્ષ પહેલાં અમદાવાદમાં કોઈ કે. લાલ જાદુની માયાજાળના ખેલ કરવા આવેલા. પણ એક તો જાદુ જોવાનું કુતૂહલ શમી ગયેલું, અને “કે. લાલ' નામ પણ જરા વિલક્ષણ : મનમાં થયું કે હશે કોઈ પંજાબી લાલા; નકામા પૈસા પડાવી જશે ! છોડો એ વાત ! પણ ચારેક મહિના પહેલાં એ ફરી અમદાવાદ આવી પહોંચ્યા. ત્યારે એમની માયાજાળમાંથી છટકવું મુશ્કેલ હતું !
પછી તો જાણ્યું કે કે. લાલ નથી તો પંજાબી કે નથી પરપ્રાંતના; એ તો ગુજરાતના સપૂત છે, સૌરાષ્ટ્રના વતની છે અને વિશાશ્રીમાળી દેરાવાસી જૈન છે ! અને એમનું ખરું નામ કાંતિલાલ છે ! જાદુગરનું નામ પણ જાદુભર્યું જ હોય ને ! આ એમના તરફનું પહેલું આકર્ષણ.
મારા ભાઈ શ્રીયુત જયભિખ્ખનાં પુસ્તકો એ વર્ષોથી વાંચે છે. એ વાચને એમનામાં જયભિખ્ખ તરફ ખૂબ આદર પેદા કર્યો છે ; તેઓ એમને પોતાના મુરબ્બી માને છે. આથી ભાઈશ્રી જયભિખ્ખું દ્વારા એમની માયાજાળ જોવાનો લાભ મળ્યો; અમે આફરીન પોકારી ઊઠ્યા !
જોનારને તો એમ જ થયા કરે કે અહીં તે કે. લાલને જોવા, એમની માયાજાળના જાદુના ખેલો જોવા, કે રંગભૂમિ ઉપરનો રંગબેરંગી પ્રકાશમાં સ્નાન કરતો પડદો અને બીજા સાજ-સામાનનો શણગાર જોવો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org