________________
પ૬૪
અમૃત-સમીપે સાહિત્યનો શોખ પણ એમનો જેવો-તેવો ન હતો. વીર દયાળદાસ" નવલકથાના તેઓ પ્રણેતા હતા, અને નાના-મોટા સંખ્યાબંધ લેખો એમની કલમની પ્રસાદીરૂપે આપણને મળ્યા હતા. “જૈન'નાં પાનાંઓ પણ એમની સચોટ કટાક્ષભરી કલમથી અનેક વાર ધન્ય બન્યાં છે એ અમારા વાચકોને યાદ હશે.
એકંદરે તંદુરસ્ત શરીર, અને ઉંમર પણ પંચાવન વર્ષની જ; મનમાં તો કલ્પના ય ન આવે કે આ ઉંમરે શ્રી નાગકુમારભાઈ ચિરનિદ્રામાં પોઢી જશે ! બાકી તો જીવન લાંબું હોય કે ટૂંકું, જેણે સેવાને જીવનમંત્ર બનાવ્યો તે કૃતાર્થ થઈ ગયા !
(તા. ૨૧-૭-૧૯૧૨, તા. ૨૮-૭-૧૯૬૨)
(૧૭) સ્વસ્થતા, સેવા, સહૃદયતાનો ત્રિવેણીસંગમ
શ્રી કુંદનમલજી ફિરોદિયા
જેમની વૃત્તિ હંમેશાં જીવનશુદ્ધિને ઝંખતી હોય અને જેમની પ્રવૃત્તિઓ નિરંતર વ્યવહારશુદ્ધિ માટે જાગરૂક અને સેવાપરાયણ રહેતી હોય એવી વ્યક્તિઓ અમુક માનવસમાજની જ નહીં, આખી દુનિયાની અમૂલ્ય સંપત્તિરૂપ બની રહે છે – ભલે પછી એનું સેવાક્ષેત્ર સ્થિતિ અને સંયોગોને કારણે મર્યાદિત હોય.
સ્થાનકવાસી જૈન સમાજના વયોવૃદ્ધ આગેવાન શ્રી ભાઉસાહેબ કુંદનમલજી ફિરોદિયા માનવસમૂહને માટે અમૂલ્ય સંપત્તિરૂપ આવા કલ્યાણકામી પુરુષ છે. સ્વસ્થતા, સત્યપરાયણતા અને ન્યાયયુક્તતા એ એમના જીવનમાં વણાઈ ગયેલ સદ્ગણો છે. ઉતાવળ એમને કદી ખપતી નથી; એમની ધીરજે ક્યારેય ખૂટતી નથી. ભારે મૂંઝવતા અને બુદ્ધિની આકરી કસોટી માગી લેતા પ્રશ્નો કે પ્રસંગો વખતે પણ તેઓ પહાડની જેમ સ્વસ્થ રહીને એનો મર્મસ્પર્શી વિચાર કરી શકે છે. સાચી વાતને સૌમ્ય રીતે, વિવેકપૂર્વક, છતાં મક્કમપણે સામાની સમક્ષ રજૂ કરવાની અને વળગી રહેવાની એમની શક્તિ વિરલ છે. અને છતાં તેઓ પોતાની સુજનતા, સરળતા અને સહૃદયતાની સુવાસ ચોમેર ફેલાવી શકે છે એ એમના જીવનની સર્વોપરિ વિશેષતા છે.
શ્રી ફિરોદિયાજી, જેવા મિતભાષી છે એવા જ ઊંડા – તલસ્પર્શી અને મર્મગ્રાહી – ચિંતક છે. તેથી જ તેઓનાં વાણી અને વિચાર સામાનાં અંતરને સ્પર્શી ગયા વગર નથી રહેતાં. એમનું વર્તન પણ એમનાં વાણી અને વિચારને અનુરૂપ જ હોય છે. આ રીતે શ્રી ફિરોદિયાજી વિત્તે વાવ ક્રિયાયાં જ મહતાબેતા (મોટા માણસોનાં મન, વચન અને કાયામાં એકરૂપતા હોય એ ઉક્તિ પ્રમાણે મોટા પુરુષ તરીકેના બહુમાનના અધિકારી બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org