________________
શ્રી નાગકુમારભાઈ મકાતી
૫૭૩
એક જાહેર કાર્યકરનું જીવન કેવું અણીશુદ્ધ, કર્તવ્યપરાયણ અને જવાબદારીના સતત ભાનવાળું હોવું જોઈએ એના આદર્શ રૂપ નાગકુમારભાઈનું જીવન હતું. પોતાની નામના વધારવા ખાતર કોઈ પણ જાહેર કાર્ય કે જાહેર સંસ્થા સાથે શોભાના ગાંઠિયાની જેમ જોડાવું એ એમના સ્વભાવમાં જ ન હતું. લીધેલ કાર્ય માટે પોતાની સમગ્ર શક્તિઓ કામે લગાડી દેવી અને બાંધેલ સંબંધને સોળે કળાએ દીપાવીને જ આરામ કરવો એ શ્રી નાગકુમારભાઈના જીવનનો આનંદ હતો. આ અજબ કીમિયાને લીધે શ્રી નાગકુમારભાઈ એમના થોડા પણ પરિચયમાં આવનાર વ્યક્તિ કે સંસ્થાના અંતરમાં સ્નેહી, સ્વજન, મિત્ર, મુરબ્બી કે માર્ગદર્શક તરીકેનું પ્રેમ-આદર-બહુમાનભર્યું સ્થાન મેળવી લેતા, અને સૌ-કોઈના સાચા સાથી બની જતા હતા.
વ્યવસાયે તેઓ એક નિપુણ કાયદાશાસ્ત્રી હતા. પોતાની સચ્ચાઈ, પ્રામાણિકતા, કુશાગ્રબુદ્ધિ, અભ્યાસપરાયણતા અને કાબેલિયતને કારણે એમણે એમાં એવી નામના મેળવી હતી અને એમની પાસે એટલા બધા દાવા આવતા કે એ બધાને પહોંચી વળવા ઉપરાંત જાહેરસેવાનાં કાર્યો માટે તેઓ સમય કેવી રીતે મેળવી શકતા હશે એ જ નવાઈ ઉપજાવે એવી બીના છે. પણ એમનું જીવન કેવળ અર્થપરાયણ બનવાને બદલે સેવાની સર્વકલ્યાણકારી ભાવનાથી એવું તો રંગાયેલું હતું કે પોતાના હૃદયને આનંદ આપતી એવી પ્રવૃત્તિઓને માટે તેઓ પોતાનાં સમય, શક્તિ અને ધનનો વ્યય કરતાં કદી પાછા પડતા ન હતા.
વડોદરા શહેરની જનસેવાની સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય, શૈક્ષણિક, સાહિત્યિક કે બીજા ગમે તે પ્રકાર પ્રવૃત્તિ સાથે શ્રી નાગકુમારભાઈનો સંબંધ હોય જ હોય; અને એમની શક્તિઓનો લાભ એને મળતો જ હોય. શ્રી નાગકુમારભાઈએ આ રીતે સમગ્ર વડોદરાના હૃદયમંદિરમાં સ્થાન મેળવી લીધું હતું.
વડોદરા જૈનસંઘના તો શ્રી મકાતીભાઈ સ્તંભ કે શ્વાસ અને પ્રાણ જ હતા. સંઘની પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં, સંઘની એકતા ટકાવી રાખવામાં, બધા ય જૈન ફિરકાઓ વચ્ચે ભ્રાતૃભાવની લાગણીને ટકાવી રાખવામાં, જૂની-નવી પેઢી વચ્ચેની સાંકળ તરીકે કામ કરવામાં અને જૈનધર્મનો મહિમા વધારવામાં એમણે જે અમૂલ્ય સેવાઓ આપી છે તે વીસરાય એવી નથી.
એક જાહે૨ જૈન કાર્યકર તરીકે તો કૉન્ફરન્સ, મહાવીર જૈન વિદ્યાલય તેમ જ એવી જ બીજી અખિલ ભારતીય દરજ્જો ધરાવતી સંસ્થાઓ દ્વારા સમસ્ત જૈન સમાજને એમની સેવાઓનો લાભ મળ્યો હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વડોદરા-શાખાનો વિકાસ તો શ્રી નાગકુમારભાઈની જીવંત પ્રશસ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org