________________
પ૮૨
અમૃત સમીપે વ્યવસાય તો હતો દાક્તરનો, પણ એમના ધર્મમય જીવનને એથી જરા પણ હરકત ન આવે એની તેઓ પૂરી સાવધાની રાખતા. દાક્તરસાહેબની ધર્મપરાયણતા સાચી દિશાની હતી; એમાં માનવતા, સેવાવૃત્તિ અને સહૃદયતા ભરી હતી. કરુણા, પરગજુપણું અને મૂક કર્તવ્યપરાયણતા એમને સતત જનસેવાને માર્ગે પ્રેર્યા કરતાં. ગુપ્તદાન તો શ્રી મનસુખભાઈની ભારે પ્રિય પ્રવૃત્તિ હતી. દાક્તરી ધંધાને એમણે મુખ્યત્વે જનસેવાનું મોટું સાધન માન્યું હતું.
૧૯૪૮માં તેઓ ગંભીર માંદગીને બિછાને પડ્યા ત્યારની પોતાની મનોવૃત્તિનું વર્ણન કરતાં તેમણે તા. ૨૭-૧-૧૯૬૪ના રોજ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કહેલું : “ઇસ્વીસન ૧૯૪૮ના ડિસેમ્બરની આખરમાં હું બીમાર પડ્યો. કોરોનરી થ્રોમ્બોસિસ ફ્લેબાઇટીસ લેફ્ટ લેગ અને એમ્બોલિઝમ રાઇટ લેગની તકલીફ થયેલ. આ વખતે સારામાં સારા નિષ્ણાત ડૉક્ટરો કે જેઓ મારી સારવાર કરી રહ્યા હતા, તેઓએ મારા બચવાની આશા છોડી દીધી હતી. તેઓએ મારા કુટુંબીજનોને એક રાતની જ મહેતલ આપી દીધી હતી. આ સમય દરમ્યાન મારા મનમાં એક વિચાર ફુરી આવ્યો કે જો હું આ માંદગીમાંથી સાજો થાઉં તો ધંધામાંથી વહેલી તકે નિવૃત્તિ લેવી અને મારા જ્ઞાન તથા અનુભવનો ઉપયોગ જનતાનાં દુઃખ અને દર્દો દૂર કરવા માટે કરવો. આપ તેને ગમે તે ગણો, ઈશ્વરીય પ્રેરણા ગણો, પણ હું સાજો થયો.”
ડૉ. મનસુખભાઈ તો નિશ્ચયી પુરુષ હતા. છેવટે અનેક વિચારો અને યોજનાઓ પછી સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હૉસ્પિટલ ઊભું કરવા માટે પોતાની સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો; અને એ મુજબ પોતાના તરફથી ચોપન હજાર રૂપિયા જેવી મોટી રકમનું દાન આપ્યું, અને નાજુક તબિયતે પણ આફ્રિકાનો અનેક વાર પ્રવાસ ખેડીને પાંચ લાખ રૂપિયા ભેગા કરી આપ્યા. સુરેન્દ્રનગરનું મહાત્મા ગાંધી હૉસ્પિટલ ડૉ. મનસુખભાઈની સેવાવૃત્તિ અને કરુણાનું અમર સ્મારક બની રહેશે.
આ હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પોતાનો સંતોષ વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું : “મારા જીવનમાં આ એક અમૂલો પ્રસંગ છે. આ પ્રસંગનો આનંદ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. આ હૉસ્પિટલને મેં એક મારું આત્મીય ગણેલ છે, અને તેમાં જીવનભર કોઈ પણ જાતના વેતન સિવાય ઓનરરી સેવા આપવા મારી ભાવના છે. આ રીતે મારા જ્ઞાન તથા અનુભવોનો કંઈક સઉપયોગ થાય તો હું મારી જાતને ખૂબ જ સદ્ભાગી ગણીશ અને અંતિમ જીવનમાં સંતોષ અનુભવીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org