________________
પ૯૨
અમૃત-સમીપે “૧૯૩૭ની સાલમાં અમદાવાદ ખાતે “જૈન યુવક પરિષદ્' ભરવામાં આવી, અને તેમાં પ્રમુખસ્થાન અંગે મારે અમદાવાદ જવાનું થયું ત્યારે એ પરિષદના યોજકોમાંના તેઓ એક હોઈને, તેમની સાથે મારે પ્રથમ પરિચય થયો. આ પરિષદ એ દિવસોમાં જૈન સમાજના સ્થિતિચુસ્ત વર્ગ સામે ચાલી રહેલા જોરદાર આંદોલનના એક અંગરૂપ હતી. આ યુવકપ્રવૃત્તિમાં તેમણે ઘણા સમય સુધી સારો સાથ આપ્યો હતો.
નિકટતાના કારણે “કેશુભાઈના નામથી મારો તેમની સાથે વ્યવહાર હતો. તેમની સાથેનો મારો સંબંધ આજ સુધી એકસરખો નેહભર્યો જળવાઈ રહ્યો હતો, અને તે રીતે તેમને નિકટથી જાણવા-સમજવાની મને સારી તક મળી હતી. તેમનો પરિવાર મોટો હતો. સંતાનમાં છ પુત્રો અને બે પુત્રીઓ હતાં. જેવો કુશળ તેમનો ડૉક્ટરી વ્યવસાય હતો, તેટલો જ કુશળ અને શિસ્તબદ્ધ તેમનાં સંતાનોનો ઉછેર હતો. તેઓ અત્યંત શિસ્તપરાયણ એવા પિતા હતા. દરેક સંતાનની વ્યક્તિગત કેળવણી તથા તાલીમ પાછળ તેમની જાત-દેખરેખ હતી.
તેમના દીકરાઓ સમયાનુક્રમે મુંબઈમાં આવીને સ્થિર થતા ગયા. કેશુભાઈ પણ ૧૯પરમાં પોતાના ડૉક્ટરી વ્યવસાયથી નિવૃત્ત થયા અને મોટા દીકરાને ત્યાં પોતાનાં પત્ની સૌ. મણિબહેન સાથે મુંબઈ આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ તેમના જીવને વધારે ધાર્મિક ઝોક લીધો. મુનિ ચિત્રભાનુના સમાગમે તેમને વ્રતનિયમ તથા ધર્મશાસ્ત્રોના અધ્યયન તરફ વાળ્યા. કાંતવાનું તો મુંબઈ આવ્યા બાદ પણ ચાલુ હતું. ખાદી પણ આખર સુધી તેમને વળગેલી હતી.
તેઓ મુંબઈ આવ્યા બાદ અમારું પરસ્પર મળવાનું વધતું ગયું. પ્રબુદ્ધજીવન'ના તેઓ ચાહક હતા. મુંબઈ જૈન યુવક સંઘ'ના તેઓ સભ્ય હતા. સંઘ દ્વારા યોજાતાં પર્યટનોમાં પણ તેઓ અવારનવાર જોડાતા. તેમનામાં ઊંડી જ્ઞાન-રુચિ હોઈને ધાર્મિક વ્યાખ્યાનોમાં, પ્રવચનોમાં, જ્યાં પણ તેમની જિજ્ઞાસા તેમને ખેંચી જતી ત્યાં તેઓ જતા, સાંભળતા અને સાર ગ્રહણ કરતા. સંઘ દ્વારા યોજાતી પર્યુષણ-વ્યાખ્યાનમાળામાં તેઓ રસપૂર્વક ભાગ લેતા હતા.
થોડા સમય પહેલાં તેમનાં પત્ની કેન્સરના ભોગ થઈ પડ્યાં અને ગયા નવેમ્બર માસની ૧૫મી તારીખે તેમનું અવસાન થયું – આ ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા. એ જ દિવસોમાં તેમને પ્રોસ્ટેટ ગ્લાન્ડના સોજાની તકલીફ શરૂ થઈ. પત્નીના અવસાન બાદ અઠવાડિયામાં તેમણે ઓપરેશન કરાવ્યું અને તેમાંથી સાજા થયા એમ કહી શકાય એમ છતાં પણ એ ઑપરેશનથી શરીર ભાંગ્યું તે ભાંગ્યું. આખરે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખે સાંજે તેમણે દુનિયાની આખરી વિદાય લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org