________________
અમૃત–સમીપે આટઆટલાં જાહેર ક્ષેત્રો ખેડવા છતાં અને એમાં ખૂબ સફળતા અને યશ મળવા છતાં અહંભાવનો કે કીર્તિની આકાંક્ષાનો મળ એમને સ્પર્શીસુધ્ધાં નહોતો શક્યો, એ એમની અપૂર્વ સિદ્ધિ. બધી જ પ્રવૃત્તિઓમાં રસ અને નિષ્ઠાપૂર્વક ભાગ લેવા છતાં અહ-મમત્વથી જળકમળની જેમ અલિપ્ત રહીને જીવનને વધુ ને વધુ ઉચ્ચગામી બનાવવાની એ કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. આને લીધે એમનું ચિત્ત કઠોરતા અને કડવાશથી સર્વથા મુક્ત રહી શક્યું હતું. આ બધાની સાથેસાથે નિશ્ચયબળ, દૃઢતા અને કષ્ટસહિષ્ણુતાના સુમેળને લીધે એમનું જીવન વિશેષ જાજરમાન બન્યું હતું.
જાહેરજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી આટઆટલી સફળતા છતાં શ્રી શારદાબહેનનું ચિત્ત ક્યારેય ગૃહસ્થધર્મવિમુખ બન્યું ન હતું. પોતાના ઘરની તેઓએ એક દેવમંદિરની જેમ જીવનભર ઉપાસના કરી હતી અને પોતાના પત્નીપદને, માતૃત્વને, સન્નારી-પદને પૂરેપૂરું યશસ્વી બનાવ્યું હતું. એમ કરીને ગૃહિણી ગૃહમુખ્યત્વે ( ગૃહિણી તે જ ઘર ) એ ઉદાત્ત આદર્શને મૂર્તરૂપ આપ્યું હતું. આ જ જીવનનું અમૃત અને આ જ મૃત્યુ ઉપરનો વિજય.
- આજે નારી-જીવનનો આદર્શ પતંગિયાના રંગની જેમ પળે-પળે પલટાતો જાય છે. આને લીધે જેને ભારતના ઋષિ-મુનિઓએ ધન્ય તરીકે બિરદાવ્યો હતો (ધન્યો ગૃહસ્થાશ્રમ), તે ગૃહસ્થાશ્રમ વેરવિખેર બની રહ્યો હોય એમ સ્પષ્ટ દેખાય છે. પણ આ બધી સ્વાર્થમૂલક અને દોડાદોડીમાં ક્યારેક તો માનવીને, અને ખાસ કરીને વિચારશીલ નારીસમાજને જીવનમાં સાદાઈ, સંસ્કારિતા અને સેવાપરાયણતાની પુનઃ પ્રતિષ્ઠા કરવાના સર્વકલ્યાણકારી વિચારો આવ્યા વગર રહેવાના નથી; ત્યારે શ્રીમતી શારદાબહેન મહેતાનું જીવન અને કાર્ય એક તેજસ્વી નક્ષત્રની જેમ માર્ગદર્શક બની રહેવાનું છે.
(તા. ૨૮-૧૧-૧૯૭૦)
. (૪) આત્મલક્ષી પંડિતા બ્રહ્મચારિણી શ્રી ચન્દ્રાબાઈ
દિગંબર જૈનસંઘમાં, છએક દાયકા જેટલા લાંબા સમય સુધી પોતાની આત્મસાધનાની તત્પરતા, શાસ્ત્રાભ્યાસિતા અને સેવાપરાયણતાના પ્રતાપે ઘણા આદર અને યશ મેળવીને પોતાની સુવાસ મૂકી જનાર બ્રહ્મચારિણી શ્રી ચંદ્રાબાઈ થોડા વખત પહેલાં (તા. ૨૮-૭-૧૯૭૭ના દિવસે) આત્મજાગૃતિ અને સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામતાં દિગંબર જૈનસંઘને એક આદર્શ અને ઉચ્ચ કોટિના મહિલારત્નની સહેલાઈથી ન પુરાય એવી મોટી ખોટ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org