________________
અમૃત-સમીપે જેમ વાચન ને અભ્યાસ વધ્યાં તેમ વિચારોમાં પરિવર્તન આવ્યું; અને વિચાર બદલાયા તો તેને અમલમાં મૂકવા સમાજથી ગભરાય તેવો એ જીવ નહોતો. સામાજિક કાર્યકર શ્રી ચુનીલાલ કામદારના પરિચયમાં આવ્યાં અને તેમણે તેમની સાથે પુનર્લગ્ન કર્યું.
હવે તેઓ સાહિત્યના ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં વિશેષ રસ લેતાં થયાં. તેમની સુપ્ત પડેલી શક્તિઓને ખીલવાની તક મળી. જુદાં-જુદાં માસિકોમાં લેખો આવવા લાગ્યા. ગુજરાતી સ્ત્રી-સહકારી-મંડળીના માનાર્હ મંત્રી તરીકે કામ કર્યું. ભગિની-સમાજ : તારદેવ કેન્દ્રના મંત્રીપદે હતાં. શ્રી જૈન-મહિલા-સમાજના મુખપત્ર “વિકાસ'ના તંત્રી તરીકે તેમણે એકધારું ૨૧ વર્ષ કામ કર્યું. પત્રિકાનું ધોરણ ઊંચું લાવવા ઉત્કટ પ્રયત્ન કરતાં. આમ જાહેર જીવનમાં પરોવાયેલાં, છતાં તેમનું ગૃહજીવન પણ એટલું જ પ્રેમાળ, લાગણીવશ અને મમતાભર્યું હતું. સાસરિયાના દરેક કુટુંબીજન પ્રત્યે તેમને માન અને ભાવ બંને હતાં. જેમ પોતાનું બૌદ્ધિક ધન તેમણે સમાજને ચરણે ધરી દીધું તેમ ભૌતિક ધન પણ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચી જાયું છે. ભગિની-સમાજ અને જૈન-મહિલા-સમાજ એ બે તેમની પ્રિય સંસ્થાઓ. પહેલીને તેના સેવામંદિરના કાર્ય માટે રૂ. ૧૦,૦૦૦ અને હોસ્ટેલમાં એક રૂમ માટે રૂ. ૫,૦૦૦ એમ રૂ. ૧૫,૦૦૦ આપ્યા છે, તો જૈનમહિલા-સમાજને તેના હીરક-મહોત્સવ પ્રસંગે સ્કોલરશિપ માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા છે.
કર્મસંયોગે છ વર્ષ પહેલાં તેમને લકવાનો હુમલો આવ્યો ને પથારીવશ થયાં; છતાં લખવાની ધગશ એટલી ને એટલી જ. ચાલ્યું ત્યાં સુધી બીજા પાસે પણ તેમણે લખાવ્યા કર્યું. પહેલાં બેથી ત્રણ વખત હૉસ્પિટલમાં ગયેલાં ને જરા સુધારો થતાં પાછા ઘરે આવેલાં. આ વખતે પણ તેમને શનિવારે હોસ્પિટલમાં લઈ ગયા, અને સૌને આશા હતી કે આ વખતે પણ જરા સુધારો લાગતાં પાછાં ઘેર લાવશું. પણ આ વખતની માંદગી જીવલેણ નીવડી અને સોમવારે સવારે ૯-૩૦ વાગ્યે તેમણે દેહ છોડ્યો. એક સ્વયં વિકસેલ વેલ વિલીન થઈ ગઈ. જ્યાં હોય ત્યાં તે આત્મા શાંતિ પામો.”
અમે શ્રીમતી લીલાબહેન કામદારની શક્તિ અને સેવાવૃત્તિને અમારી હાર્દિક અંજલિ આપીએ છીએ.
(તા. ૨૪-૭-૧૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org