________________
શ્રી રામજીભાઈ કમાણી
૫૭૭
બીજા શ્રીમંતો અને વેપારીઓને પ્રેરણા પણ આપી હતી. તેઓ મહાત્મા ગાંધીજી તેમ જ બીજા નેતાઓના સંપર્કમાં રહેતા હતા. પરદેશના પ્રવાસના સમયને બાદ કરતાં તેઓ હમેશાં શુદ્ધ ખાદીનો જ આગ્રહ રાખતા.
શ્રી મણિભાઈની જૈનધર્મ ઉપરની આસ્થા, પ્રીતિ અને એના આચારોનું પાલન કરવાની દૃઢતા એક આદર્શ જૈનને શોભા આપે તેવી તેમ જ શ્રીમંતોને ધર્માભિમુખ થવાની પ્રેરણા આપે એવી હતી. પરદેશના વસવાટ દરમ્યાન પણ તેઓ શુદ્ધ શાકાહારનું અને અન્ય જૈન આચારોનું દૃઢતાપૂર્વક પાલન કરતા.
અન્ય સમાજ તેમજ યુરોપની જનતા જૈનધર્મ અને એના ઉમદા સિદ્ધાંતોથી પરિચિત થાય એમાં શ્રી મણિભાઈને ખાસ રસ હતો. એ માટે એમણે ‘જૈનધર્મદર્શન’ નામે એક પુસ્તિકા પણ લખી હતી, અને એ કાર્યને તેઓ દરેક રીતે પ્રોત્સાહન પણ આપતા રહેતા હતા. એમનું પહેલું પુસ્તક ‘રગશિયું ગાડું' શ્રી મણિભાઈના સુધારાપ્રિય, રૂઢિવિરોધી માનસનો ખ્યાલ આપે છે.
એમની સેવાઓ પામતી અનેક જૈન સંસ્થાઓને એમની ખોટ સાલશે. (તા. ૨૪-૧૧-૧૯૬૨)
(૧૯) દૃષ્ટિવંત કર્મવીર શ્રી રામજીભાઈ કમાણી
જેમનાં નામ અને કામથી જનની, જન્મભૂમિ અને જાતિ કૃતાર્થતા અને ગૌરવનો અનુભવ કરે એવા એક નરરત્ન, શ્રી રામજીભાઈ હંસરાજ કમાણી જીવનની સફળતા અને ધન્યતાની પાંખે ચઢીને, આપણી વચ્ચેથી તા. ૨૭-૬૧૯૬૫ના રોજ મુંબઈ મુકામે વિદેહ થયા.
શ્રી રામજીભાઈ સૌરાષ્ટ્રની ધિંગી ધરતીના સપૂત હતા. તે કાળે સૌરાષ્ટ્રમાં ગાયકવાડ સ૨કા૨ની હકૂમતમાં આવેલું ધારી ગામ, એ એમનું જન્મસ્થાન. તા. ૨૧૨-૧૮૮૮ને રોજ એમનો જન્મ. વિદ્યાભ્યાસ તો કોણ જાણે કેટલો કર્યો હશે; પણ ખમીરવંતી સોરઠભૂમિનું ખમીર એમનામાં વહેતું હતું. કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત નહીં હારવાનું મનોબળ એમને વારસામાં મળ્યું હતું. લીધેલ કામને પાર પાડવા માટે ગમે તેવાં સાહસ અને પુરુષાર્થ ખેડવાની વૃત્તિ તો એમના રોમરોમમાં ધબકતી હતી. એ એક કુશળ અને કાબેલ વણિક્ હતા, એટલે કોઈ પણ કાર્યના અંજામનો અંદાજ અગાઉથી મેળવી લેવો એ એમને માટે જાણે રમતવાત હતી. આવી શક્તિઓ અને આવા ગુણો જ એમની અનેકવિધ સફળતાની ગુરુચાવી-રૂપ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org