________________
४८७
અમૃત-સમીપે
(૯) સ્વર્ગસ્થ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી
ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો તા. ૨-૪-૧૯૬૫ના રોજ, હૃદયરોગના વ્યાધિને લીધે, સાવ અણધાર્યો સ્વર્ગવાસ થયો છે – ગુણિયલ, ન્યાયનીતિપરાયણ, સાચદિલ માનવીઓની અછતથી રંક બનતી જતી આપણી ધરતી વધુ રંક બની છે ! ચિત્ત શોક અને રંજના ભારથી મુક્ત બને નહીં એવી દુઃખદ, કરુણ અને કારની ઘટના બની ગઈ !
મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા તો એક રાજવી : અઢળક સંપત્તિ અને અપાર વૈભવના સ્વામી. પણ એમનું સમગ્ર જીવન જળકમળ જેવું અલિપ્ત અને જનકવિદેહની પુરાણકથાને સાચી ઠરાવે એવું અનાસક્ત હતું – જાણે રાજવીપદનો મોહક અંચળો ધારણ કરીને કોઈ યોગસાધક આત્મા સાધનાની આકરી કસોટીએ ચઢ્યો હતો ! એ કસોટી પર કુંદન સાબિત થઈને એ આત્મા જીવન જીતી ગયો, મૃત્યુ તરી ગયો, અમર બની ગયો !
મહારાજાને મન જીવન એ ભગવાનની અમૂલખ અમાનત (થાપણ) હતું. પવિત્રતાની પુણ્યપાળથી એમણે એ અમાનતનું જીવની જેમ જતન કરી, સાદાઈ અને સદાચારની અમૂલ્ય સંપત્તિથી એને સવાઈ કરીને, ભગવાનને પાછી સોંપી દઈને જીવનને ધન્ય કરી જાણ્યું.
અઢાર વર્ષ પહેલાં ભારત સ્વતંત્ર તો થયું; પણ સેંકડો દેશી રાજ્યોમાં વિભક્ત થઈ ગયેલ દેશની અખંડિતતા સિદ્ધ કરવી તો હજી બાકી હતી. લોહીનું ટીપું વહાવ્યા વગર એ કામ પાર પાડવું લોઢાના ચણા ચાવવા કરતાં પણ ઘણું મુશ્કેલ હતું. પણ એ કાળે દેશની ખુશકિસ્મતી એ હતી કે આવા મુશ્કેલ કામને પણ આસાનીથી પાર પાડવાની કુનેહ, શક્તિ અને તમન્ના ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સમર્થ અને વિચક્ષણ સુકાની દેશની પાસે મોજૂદ હતા; તેમ જ દેશની અખંડિતતાની ઇમારતના પાયામાં પોતાનું સર્વસ્વ હોંશભેર ન્યોછાવર કરવાની અદમ્ય ભાવનાવાળા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ત્યાગશૂર રાજવી પણ હતા. દેશની અખંડિતતાના ઇતિહાસમાં જેમ સરદારસાહેબનું નામ સુવર્ણ-અક્ષરોથી અંકિત રહેશે, તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ત્યાગ અને સમર્પણની ભાવના પણ ચિરસ્મરણીય બની રહેશે. સાચે જ, મહારાજાના એ સમર્પણે દેશની અખંડિતતાની ઇમારતના પાયામાં પહેલી સુવર્ણઇટ મૂકવાનું પુણ્યકાર્ય કરી બતાવીને ભારતીય સંસ્કૃતિને ગૌરવશાળી બનાવી હતી. ત્યારે એમની ૩૫ વર્ષની ભરયુવાન ઉંમર હતી ! એ ઉંમરે આ રાજવીને પોતાનું આખું રાજ્ય મહાત્મા ગાંધીજીને ચરણે મૂકી દેવાના અદમ્ય મનોરથ જાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org