________________
અમૃત-સમીપે
હાઈસ્કૂલમાં એમની કારકિર્દી બહુ તેજસ્વી હતી. મૅટ્રિકમાં તેઓ પ્રથમ નંબરે પસાર થયા. આ અભ્યાસ દરમ્યાન જ એમને ઇતર-વાચનનો અને સાહિત્યનો રસ લાગ્યો હતો. અભ્યાસનાં પુસ્તકો તો વાંચવાનાં રહેતાં જ, ઉપરાંત ગમે તે રીતે વખત કાઢીને તેઓ બીજાં પુસ્તકો પણ વાંચતા રહેતા. થિઓસોફિકલ મંડળ તરફથી ત્યારે સનાતન ધર્મની પરીક્ષાઓ લેવાતી. તેઓ એ પરીક્ષાઓ આપતા. ઇનામમાં એની બેસેન્ટનાં પુસ્તકો ભેટ મળતાં, તે તેઓ હોંશે-હોંશે વાંચતા. આ રીતે એમનામાં ધાર્મિકતા, સમાજસેવાની ભાવના અને રાજકારણ તરફની અભિરુચિનાં બીજ રોપાયાં. દેશની પરતંત્રતા અને દેશી રાજ્યોમાં પ્રવર્તતી ગુલામો કરતાં ય બદતર બેહાલીની સામેનો અણગમો પણ એમના અંતરમાં આ અરસામાં જ જાગવા લાગ્યો. એમ કહેવું જોઈએ કે ગુલામી તરફની આ ઉગ્ર બનેલી નફરતે જ એમને સક્રિય રાજકારણના એક સમર્થ અને સફળ ભેખધારી બનાવ્યા.
૪૯૪
શ્રી બળવંતભાઈના યૌવનનો સમય એ ભારતમાં ગાંધીયુગનાં મંગળ મંડાણનો સમય હતો. એનો બુલંદ નાદ સર્વત્રે ગાજી રહ્યો હતો. એણે ભલભલા અમીરોને ય દેશની આઝાદી કાજે હોંશે-હોંશે ફકીરીનો રાહ લેવા પ્રેર્યા હતા. વાતાવરણમાં કેવળ સ્વદેશભક્તિ અને સ્વદેશમુક્તિની હવા જ પ્રસરી રહી હતી. શ્રી બળવંતભાઈને પણ એ હવા સ્પર્શી ગઈ, કામણ કરી ગઈ. એમણે ગાંધીજીનાં પહેલાં દર્શન ભાવનગરમાં કરેલાં, અને અમદાવાદમાં અભ્યાસના ગાળામાં કોચરબ આશ્રમમાં, એમના મોટા ભાઈ શ્રી ભૂપતરાય મહેતા સાથે ગાંધીજીને મળવાસાંભળવાનો અવસર મળ્યો. પરિણામે તેઓનું મન ગાંધીજી અને એમના કામ તરફ ઢળતું ગયું. એના પહેલા પગલારૂપે એમણે સરકારી શિક્ષણની બી.એ.ની પરીક્ષા તો આપી, પણ એ ડિગ્રી લેવાનો ઇન્કાર ભણી દીધો, અને રાષ્ટ્રીય ભાવના અને પ્રવૃત્તિથી ધમધમતી ગુજરાત વિદ્યાપીઠની સ્નાતકની પદવી લેવામાં ગૌરવ માન્યું. તેઓના અભ્યાસના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અને ઇતિહાસ હતા; રાજકારણમાં એમને કામિયાબી અપાવવામાં આ અભ્યાસ સારી પેઠે ઉપયોગી થઈ પડ્યો. તેઓએ રાજકારણ દ્વારા જાહેરજીવનનો આરંભ કર્યો ત્યારે એમની ઉંમર માત્ર પહેલી વીશી જ વટાવી ચૂકી હતી. કેટલાકને તો હજી જીવનની દિશા નક્કી કરવાની હોય, અરે, અભ્યાસકાળ પણ પૂરો થયો ન હોય એવી સાવ ઊછરતી વયમાં શ્રી બળવંતભાઈએ રાજકારણ જેવા અતિ અટપટા ક્ષેત્રમાં ઝંપલાવ્યું; એ બીના પોતે જ એમની કાર્યશક્તિ અને નિર્ણયશક્તિની નિદર્શક બની રહે એવી છે.
ગાંધીયુગે રેલાવેલી નવજાગૃતિના સમયમાં તેઓ દેશના કામમાં જોડાઈ ગયા. ૧૯૨૦માં એમણે સૌરાષ્ટ્રના ગોહિલવાડ જિલ્લાના ગામડે-ગામડે પગપાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org