________________
૫૦૭
શ્રી ગિરધરભાઈ દફતરી
શ્રી ગિરધરભાઈનું જીવન જોતાં સહેજે સવાલ થાય કે એમની ધર્મનિષ્ઠા વધે કે સેવાનિષ્ઠા વધે ? પણ એમને માટે તો આ બંને નિષ્ઠાઓ આત્મનિષ્ઠાના એટલે કે આત્મભાવના રથનાં બે પૈડાંરૂપ જ હતી.
શ્રી ગિરધરભાઈનો આંતર-બાહ્ય પરિચય આપતાં સ્થાનવાસી કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા મુખપત્ર “જૈન-પ્રકાશ' સાપ્તાહિકના તા. ૧૫-૧૧-૧૯૭૨ના અંકમાં કહેવામાં આવ્યું છે ?
શ્રી ગિરધરભાઈએ, આજીવન, સમાજની તન, મન અને ધનથી અવિરત નિષ્કામભાવે સેવા બજાવી હતી. તેમનું જીવન સાદું અને સંયમી હતું. તેઓએ અનેક સંસ્થાઓ ઊભી કરી, અનેક સંસ્થાઓને વિકસાવી, સંસ્થાઓ માટે લાખોનાં ફંડ કર્યા. તેમનામાં ધર્મ અને સાધુ-સાધ્વીઓ પ્રતિ દઢ શ્રદ્ધા હતી અને માનવદયા તથા જીવદયા માટે અપ્રતિમ લગની હતી. દેશના કોઈ પણ સ્થળે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ કે ધરતીકંપની આપત્તિ આવી પડે તો શ્રી ગિરધરભાઈ તે જ ક્ષણે ફંડ કરતા અને સંકટગ્રસ્ત ભાઈ-બહેનોને મદદ કરવા ઊપડી જતા...
તેઓને પૈસાના પરિગ્રહની મર્યાદા હતી; એટલું જ નહીં, પરંતુ ખાવાપીવામાં, કપડામાં, બીજી અનેક બાબતોમાં મર્યાદા બાંધેલી હતી. સામાયિક, ચઉવિહાર, ધર્મધ્યાન, સાધુ-સાધ્વીજીઓનાં દર્શન - એ નિત્યક્રમ હતો. તેઓ ગૃહસ્થવેશમાં સાધુ જેવું સંયમી અને ત્યાગમય જીવન જીવી રહ્યા હતા.
તેઓ જે સંસ્થામાં કાર્ય કરતા તેનો વહીવટ કરકસરપૂર્વક કરતા; દાતાની પઈ-પાઈનો સદુપયોગ થાય તેની કાળજી રાખતા. તેથી તેઓ કોઈ પણ પ્રવૃત્તિ માટે ટહેલ નાખતા ત્યારે સમાજ ઉદારદિલે દાન-પ્રવાહ વહેવડાવીને તેમની ઝોળી તત્કાલ છલકાવી દેતો. સવારે ઊઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી તેમની પાસે સંસ્થાના વિકાસની જ વાત સાંભળવા મળે, તેઓ સંસ્થાની પ્રવૃત્તિઓમાં જ કાર્યરત હોય; તેમને માટે ધંધો, ઘર વગેરે બાબતો ગૌણ હતી, સેવા મુખ્ય બાબત હતી.”
એમની ધાર્મિકતા અને સેવાવૃત્તિનું બહુમાન કરવા ત્રણેક વર્ષ પહેલાં એક સન્માન-સમારંભ યોજીને એક લાખ એકત્રીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી હતી, તે એમણે પોતાના સહધર્મી ભાઈઓની સેવા માટે અર્પણ કરી દીધી હતી.
જીવદયાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને શ્રી ગિરધરભાઈએ વસૂકી ગયેલી ગાયો-ભેંસોને કસાઈખાને જતી બચાવી લેવા માટે થોડા વખત પહેલાં એક મોટી યોજના બનાવી હતી, અને એ માટે ઉમરગામની પસંદગી કરીને એ માટે તેઓ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા હતા. એમની ધર્મ-સેવા-દયાપરાયણતાની ચિરસ્મૃતિરૂપ આ યોજનાને સમાજ અને સૌ જીવદયાપ્રેમીઓ પૂરી કરે એ જ એમને માટેની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org