________________
શ્રી જીવરાજ ભાણજી શાહ
૫૫૧
ભાવના મળ્યાં છે તો કોઈક નાના-સરખા પણ લોકોપયોગી કાર્યમાં એનો સદુપયોગ કરી લીધો સારો : આવી એમની નરી રચનાત્મક દૃષ્ટિ હતી. એટલે કોઈ પણ ભાંગફોડના ભાગીદાર બનવાથી તેઓ સદા અળગા જ રહેતા. વળી એમનો સ્વભાવ એવો હતો કે તેઓ અમુક રાજકીય પક્ષના હોવા છતાં એમનો કોઈના પ્રત્યે અણગમો કે વેર-વિરોધ ન રહેતો; અને વિરોધ-પક્ષના સભ્યો પણ એમના પ્રત્યે એવો જ પ્રેમાદ ધરાવતા. આવા ઉમદા સ્વભાવને કારણે, ઉંમરે નાના છતાં, તેઓ સૌનું પૂછ્યા-ઠેકાણું બની શક્યા હતા.
નામનાની આકાંક્ષા એમને સતાવતી નહિ. સારું કામ પૂરું થાય એ જ એકમાત્ર એમની આકાંક્ષા રહેતી. મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશને વર્ષમાં આઠ દિવસ કતલખાનાં બંધ રાખવાનો ઐતિહાસિક ઠરાવ કર્યો એના યશ માટે કેટકેટલી પડાપડી થઈ ! પણ એ યોજનાના ઘડતરમાં અને એને પાર પાડવામાં અવિરત પ્રયાસ કરનાર શ્રી જીવરાજભાઈ એ બધાથી સાવ અલિપ્ત જ રહ્યા!
સેવાધર્મને વરેલી આવી વિશિષ્ટ વ્યક્તિનું કાર્યક્ષેત્ર માત્ર નગરપાલિકા પૂરતું જ મર્યાદિત રહે એ ન બનવા જેવી વાત છે. તેમાં ય સાચદિલ અને શક્તિશાળી કાર્યકરોની અછતના આ યુગમાં તો આપણે આવા નિષ્કામ કાર્યકરને શોધતા-ઝંખતા જ હોઈએ છીએ. એટલે શ્રી જીવરાજભાઈની શક્તિ અને સેવાવૃત્તિનો લાભ લેવા આપણી ધાર્મિક-સામાજિક સંસ્થાઓ પ્રેરાઈ એ સાવ સ્વાભાવિક છે. અને, એ સ્વીકારવું જોઈએ, કે કોઈ પણ સંસ્થા દ્વારા જનસેવા કરવાની તક તેઓએ ક્યારેય જતી કરી ન હતી.
આથી કચ્છી સમાજની તેમ જ મુંબઈના જૈન સમાજની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તો તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા જ. ઉપરાંત મુંબઈ શહેર તથા રાજ્યની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ સાથે પણ તેઓ ગાઢ રીતે જોડાયેલા હતા. માપબંધીસલાહકાર-સમિતિ, નેશનલ લીગ ઑફ મૅન(? પૅન ?)-ફ્રેન્ડ્ઝ, કાઉન્સિલ ઑફ ચાઈલ્ડ વૅલ્ફેર, ઍનિમલ વૅલ્ફેર બોર્ડ, મહારાષ્ટ્ર રાજ્ય મદ્યનિષેધ સમિતિ, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમ, લાયન્સ ક્લબ ઑફ નોર્થ બૉમ્બેની યુવક-પ્રવૃત્તિ જેવી સંખ્યાબંધ-પ્રવૃત્તિઓને એમને પોતાની બનાવી હતી. વળી શિક્ષણ-સંસ્થાઓમાં તો એમને વિશેષ રસ હતો. કંઈ બોલવાનો પ્રસંગ આવતો ત્યારે એમનું વક્તવ્ય હમેશાં ટૂંકું, મુદ્દાસરનું અને સચોટ રહેતું; એમાં હમેશાં દિશાસૂચનનો રણકો સંભળાતો.
તેઓને ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે પણ સારી અભિરુચિ હતી. સ્વ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને એમની સમાજ-ઉત્કર્ષની પ્રવૃત્તિ પ્રત્યે એમને ખૂબ આદર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org