Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 582
________________ ૫૫૯ શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી શ્રી મનસુખભાઈ દોશી લોકકલ્યાણમાં આત્મકલ્યાણનું દર્શન કરતા આવા જ એક સેવાઘેલા નવયુવક હતા. યૌવનના થનગનાટને સેવામાર્ગે વાળીને એમણે પોતાના જીવનને તો ધન્ય બનાવ્યું જ, પણ સેવામાર્ગનો મહિમા પણ વધાર્યો. ૪૩ વર્ષની પાંગરતી વયે તો પ્રભુના આ પ્યારાએ પોતનું જીવન સંકેલી લીધું ! એમનું વતન સુરેન્દ્રનગર. પિતાનું નામ રાધવજીભાઈ અને માતાનું નામ રંભાબહેન. મહાત્મા ગાંધીજીના અસહકારયુગના ઉષઃકાળ સમયે, તા. ૧૦-૧૧૯૧૯ના રોજ એમનો જન્મ; કર્મયોગની પ્રેરણાનું અમૃતપાન જાણે એમને પારણામાં જ લાધી ગયું. શ્રી મનસુખભાઈ જરાક સમજણા થયા અને નિશાળમાં જવા લાગ્યા કે એમનો જાહેર જીવનનો અને લોકસેવાનો ૨સ જાગી ઊઠ્યો; અને નવીન વિચારધારાઓને ઝીલવી એ તો એમને મન રમત વાત ! તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ વિદ્યાર્થીસંઘ રચવો, યુવકમંડળની આગેવાની લેવી, નવા વિચારોનો પ્રચાર ક૨વો, જુનવાણી પ્રથાઓ ત૨ફ અણગમો દર્શાવવો – એ જ જાણે એમનું જીવનકાર્ય બની ગયું હતું, અને અભ્યાસનું સ્થાન તો ગૌણ બની ગયું હતું. એક બાજુ જાહેરજીવનની તાલાવેલી અને બીજી બાજુ અભ્યાસની તાણખેંચ આ નેતરાંથી શ્રી મનસુખભાઈનું મન સદા વલોવાયા કરતું હતું. એવામાં દૂધમલ દાંતવાળા એ યુવકે મહાત્માજીના ૧૯૩૦ના વિરાટ સ્વાતંત્ર્ય-સંગ્રામનો સાદ સાંભળ્યો, અને એનો શક્તિશાળી આત્મા જાગી ઊઠ્યો. તેઓ બાળવાનરસેનાના એક અદના સૈનિક બની ગયા. પછી તો પ્રભાતફેરી, પિકેટિંગ, મીઠાનો સવિનય કાનૂનભંગ એ જ એમની પ્રવૃત્તિનાં કેન્દ્ર બની ગયાં. મનને જો મોજ પ્રમાણે મ્હાલવા મળતું હોય તો ભણતરનું ભલે ગમે તે થાય ! પણ હજી ઉંમર નાની હતી. ૧૯૩૮ની હરિપુરા કૉંગ્રેસ આવી. એ કૉંગ્રેસે શ્રી મનસુખભાઈની કાયાપલટ કરી નાખી : તેઓ રાષ્ટ્રવાદી અને ખાદીધારી બની ગયા, ગાંધીજી એમની પ્રેરણાનું સ્થાન બની ગયા. રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની લડત જાગી ઊઠી, તો રાજકોટના સીમાડા જેવા સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈથી શાંત શી રીતે બેસી શકાય ? તેઓ પણ એક ટુકડીના આગેવાન બનીને રાજકોટ પહોંચી ગયા. આ અરસામાં એમનો અભ્યાસકાળ અથડાતો-કુટાતો પૂરો થયો અને જીવનની બીજી વીશીના આરંભમાં તેઓ ધંધા માટે બર્મા પહોંચ્યા કદાચ એમનાં માતાપિતાએ વિચાર્યું હશે કે આવા દેશઘેલા અને સેવાઘેલાને દૂર મોકલ્યો જ સારો ! બર્મામાં આ સેવાઘેલા યુવાનને ભગવાન બુદ્ધનો વહુનઽહિતાય વડુબનમુઆયનો લોકકલ્યાણનો માર્ગ ગમી ગયો; પણ વધુ અભ્યાસ અને સંપર્કનો લાભ મળે એ પહેલાં એમને સ્વદેશ પાછા ફરવાનું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649