________________
૫૪૭
શ્રી મોહનલાલ ભ. ઝવેરી
શુભનિષ્ઠા, પ્રામાણિકતા, કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યે સતત સભાનતા ધરાવતા કાર્યકર્તાઓની ખોટ પ્રવર્તે છે જ. આપણે નવી-નવી સંસ્થાઓ સ્થાપીએ છીએ પણ તેનું યોગ્ય રીતે સંચાલન કરી શકે એવા કાર્યકર્તાઓ નથી મળતા એ ફરિયાદ ઘણી જૂની છે. આવી સ્થિતિમાં આવા જ્ઞાન-શીલસંપન્ન આગેવાનનું અવસાન જૈન સમાજને માથે મોટી ખોટ આવી પડ્યારૂપ છે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ઉત્પત્તિ અને પ્રગતિનો ઇતિહાસ જાણનારા શ્રી મોહનભાઈના ધન્ય નામને એનાથી કદી પણ અળગું ન કરી શકે.
ધંધાદારી રીતે તેઓ સોલિસિટર જેવા અનેકવિધ જંજાળોથી ભરેલા અને સતત ધ્યાન રોકી રાખતા કામને વરેલા હતા એ જાણીતું છે. આમ છતાં શ્રીયુત મોતીચંદભાઈ કાપડિયાની માફક તેઓએ પણ જૈન સમાજ, જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની સેવાને પોતાના હૃદયમાં બહુ અગ્રસ્થાન આપ્યું હતું તે વાતની નોંધ લેતાં હર્ષાશ્રુ સરી પડે છે. ધર્મસેવાના કાર્યને હમેશાં અગ્રપદ આપનાર આવા કાર્યકરો બહુ દુર્લભ છે, ને આજે તો એમની વિશેષપણે આપણને જરૂર છે.
શ્રી મોહનભાઈનો વિદ્યાપ્રેમ બહુ જાણીતો છે. મંત્રશાસ્ત્ર એ એમનો પ્રિય વિષય હતો. એ વિષય ઉપર એમણે ખૂબ સંશોધન, ચિંતન ને મનન કરીને તૈયાર કરેલું એક અભ્યાસપૂર્ણ અને અનેકવિધ માહિતીઓથી ભરેલું ગ્રંથરત્ન તેમના વિદ્યાપ્રેમની હંમેશા સાખ પૂરશે; આ ગ્રંથ તે શ્રીયુત સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત શ્રીયુત મલ્લીષણસૂરિ-વિરચિત ‘શ્રી ભૈરવ-પદ્માવતી-કલ્પ'ની વિસ્તૃત પ્રસ્તાવના. આ પ્રસ્તાવના શ્રીયુત મોહનભાઈએ અંગ્રેજી ભાષામાં લખી છે, એટલે કદાચ એની મહત્તા વ્યાપારપ્રેમી જૈન સમાજના ધ્યાનમાં ન આવી હોય એ બનવાજોગ છે. પણ એથી એ ગ્રંથરત્નની ઉપયોગિતા કે મહત્તામાં લેશ પણ ઊણપ આવતી નથી. બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્ટકર (ડી. લિટ્.) જેવા વિદ્વાને તેમના આ ગ્રંથનું અવલોકન કરીને એની વિશિષ્ટતા ઉપર મહોર મારી છે. ટેંડુલકર-સમિતિએ જ્યારે દેવદ્રવ્ય અંગેની જૈનોની માન્યતા સંબંધી શાસ્ત્રીય પુરાવાઓની માંગણી કરી, ત્યારે શ્રી મોહનભાઈએ, બીજાઓની સાથે રહીને જે કામગીરી વખતસર બજાવી, તે તેમના માટે માન ઉપજાવે એવી છે. આ ઉપરાંત પણ તેમણે નાની-મોટી અનેક સાહિત્યિક સેવાઓ બજાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
આ રીતે, આજીવન, જૈન સમાજ-ધર્મ-સાહિત્ય-સંસ્કૃતિની અનેકવિધ સેવાઓ દ્વારા પોતાના નામને યશસ્વી બનાવીને વિદાય થયેલા શ્રી મોહનભાઈ ઝવેરી તો ધન્ય બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org