________________
૫૪૦
અમૃત-સમીપે
(૮) સાધુચરિત શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા
પુણ્યશ્લોક, સાધુચરિત શ્રીયુત મનસુખલાલ તારાચંદ મહેતાનું, મુંબઈમાં, ગત બીજી તારીખના રોજ, અડસઠ વર્ષની ઉંમરે, હૃદયના હુમલાથી સ્વર્ગગમન થતાં આપણા સંઘ અને સમાજમાંથી એક ભવ્ય મહાનુભાવની વસમી વિદાય થઈ છે, અને વ્યક્તિઓને તથા અનેક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.
લગભગ સાત દાયકા જેટલા સમયપટ ઉપર વિસ્તરેલા શ્રી મનસુખભાઈના જીવનની વિગતો જોતાં કંઈક એમ લાગે છે કે જાણે એમણે પોતાની જિંદગીમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચે અથવા તો વ્યવહાર અને ધર્મ વચ્ચે સમતુલા સાચવી જાણી હતી. પોતાની ૬૮ વર્ષની પૂરી જિંદગીમાંથી છએક વર્ષનો બાલ્યકાળ બાદ કરતાં શરૂઆતનો અડધો સમય (૩૧ વર્ષ) એમણે ઘરસંસારને શોભાવવામાં તથા અર્થોપાર્જન માટે ધંધાના ખેડાણમાં વિતાવ્યો, તો બાકી અડધો સમય (૩૧ વર્ષ), ઘરસંસારમાં રહેવા છતાં, ત્યાગી-વૈરાગી-સંયમી જેવું અનાસક્ત, સાદું, ધર્મનિષ્ઠ જીવન જીવવામાં પસાર કરીને એક આદર્શ સાધુચરિત જીવનનો નમૂનો પૂરો પાડ્યો હતો.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ અમરેલી શહેર શ્રી મનસુખભાઈનું વતન. એ વખતે ત્યાં વડોદરા રાજ્યની ગાયકવાડ-સરકારની હકૂમત ચાલે. અમરેલી તાલુકાની સૂબાગીરી શ્રી મનસુખભાઈના દાદા શ્રી વચ્છરાજ મહેતાના ભાઈ શ્રી હંસરાજ મહેતા સંભાળતા. એ રીતે આ કુટુંબને રજવાડી માન-મરતબો ભોગવવાનો અવસર મળેલો; એમનું રહેઠાણ “મહેતાની હવેલી’ને નામે પંકાય. આ હવેલી એવી મોટી કે એમાં ભૂલા જ પડી જવાય !
આવા નામાંકિત કુટુંબમાં તા. ૧૭-૩-૧૯૦૮ના રોજ શ્રી મનસુખભાઈનો જન્મ થયેલો. એમના પિતા શ્રી તારાચંદ મહેતા સાચાના હિમાયતી; ખોટી વાત એમનાથી સહન ન થાય. એમનાં માતુશ્રી જડાવબહેન જાણે શાંતિ અને સમતાનો અવતાર ! માતાની છત્રછાયા તો શ્રી મનસુખભાઈને માત્ર પાંચ વર્ષની સાવ નાની ઉંમર સુધી જ મળી હતી. પણ એમ લાગે છે કે માતાના નિર્દોષ ધાવણ સાથે તેમ જ માતાના શીળા-શાંત વ્યક્તિત્વને કારણે શ્રી મનસુખભાઈને સાવ ઊછરતી ઉંમરે, અજ્ઞાતપણે મળેલું ઉત્તમ સંસ્કારભાતું એમને જીવનભર કામ આપતું રહ્યું અને એમને ઉત્તરોત્તર વધુ સાદું, સાત્ત્વિક, સદાચારી, સંયમી અને સમભાવી જીવન જીવવાની પ્રેરણા આપતું રહ્યું. શ્રી તારાચંદ મહેતાના સ્વર્ગવાસ વખતે તો મનસુખભાઈ જીવનની અરધી સદી વટાવી ચૂક્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org