________________
શ્રી ફુલચંદભાઈ ખીમચંદ શાહ
૫૧૭
“પણ વડીલ, જરા આપના શરીર સામે તો જુઓ; એ કેટલું અશક્ત અને રોગગ્રસ્ત બની ગયું છે ! આવી સ્થિતિમાં આટલો લાંબો પ્રવાસ કેવી રીતે ખેડાય ? આવું સાહસ કરવા જતાં ઊલટાનું જોખમ આવી પડે ; આપ આવી હઠ ન લ્યો. અમારી ચિંતાનો અને આપની અશક્તિનો પણ કંઈક વિચાર કરો.'
“અરે ભાઈ, સારું કામ કરવામાં વળી જોખમ કેવું ? અને આવું, મારા પ્રભુનું કામ કરતાં-કરતાં કદાચ આ કાયા પણ પડી જાય તો એનાથી બીજું રૂડું પણ શું ? છેવટે તો આપણે સૌએ વહેલાં કે મોડાં જવાનું જ છે ને ? મને તમે કોઈ ન રોકશો; હું જરૂર હસ્તિનાપુર જવાનો.”
અમદાવાદથી દસેક માઈલ દૂર, વળાદ ગામમાં એક દિવસ એક વયોવૃદ્ધ સદ્ગૃહસ્થ અને એમનાં સગાંઓ અને સ્નેહીઓ વચ્ચે આ પ્રમાણે રકઝક ચાલતી હતી.
એ વયોવૃદ્ધ સજ્જન હતા શ્રી ફૂલચંદ ખીમચંદ શાહ. તેઓ જિનમંદિરોનું ખાતમુહૂર્ત, અંજનશલાકા, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર વગેરે ધર્મક્રિયાઓના વિધિઓના મોટા જાણકાર હતા; અને પ્રસંગ હતો દિલ્હી પાસે આવેલ હસ્તિનાપુર તીર્થના નવા જિનમંદિરના ખાતમુહૂર્ત અને શિલાન્યાસનો. એ પ્રસંગ ઉપર જવા માટે શ્રી ફૂલચંદભાઈને તેડું આવ્યું હતું.
શ્રી ફૂલચંદભાઈ કેટલાક વખતથી બીમાર હતા, અને આ નિયંત્રણ આવ્યું ત્યારે તેઓ પથારીવશ હતા; શરીરે સોજા પણ આવી ગયા હતા. છતાં તેઓ હસ્તિનાપુરનું તેડું નકારવા તૈયાર ન હતા. થવાનું હોય તે થાય, પણ પ્રભુભક્તિનો આવો અવસર ન જવા દેવાય એ એમનો નિશ્ચય હતો.
--
છેવટે શ્રી ફૂલચંદભાઈની ભાવના ફળી અને પથારીવશ જેવા અશક્ત શરીરે પણ તેઓ હસ્તિનાપુર પહોંચ્યા. તા.૨૨-૬-૧૯૬૨ના રોજ નવા જિનમંદિરનો શિલાન્યાસ-વિધિ પતાવીને પાછા પણ આવી ગયા ! જર્જરિત ક્લેવરનો ત્યાગ કરીને એમનો હંસલો નવું ક્લેવર ધારણ કરવા અહીંથી સદાયને માટે વિદાય થયો એથી બરાબર બે મહિના પહેલાંની જ આ ઘટના !
શ્રી ફૂલચંદભાઈ, જેવા ધર્મપ્રેમી એવા જ ઉદ્યમી અને એવા જ કર્તવ્યપરાયણ. જીવનની ઘડિયાળનો કાંટો પંચોતેરને આંકડે પહોંચેલો અને કાયાનો ડુંગર ડોલવા લાગેલો. એમની કાયા કામ અને દોડાદોડ કરીને થાકી હતી અને આરામ ઝંખતી હતી. પણ પ્રભુભક્તિનું નામ આવતાં જ એમની કાયામાં જાણે નવચેતનાનો સંચાર થતો; અને તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરતા ત્યારે જ એમના આત્માને સંતોષ થતો. ઉપરની ઘટના એમની જીવનભરની પ્રભુપરાયણતા અને અખંડ સાધનાની યશકલગી રૂપ બની રહે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org