________________
ઉં. ઝાકીરહુસેન
૫૦૧ વળી, સ્વરાજ્યની લડતના સમયની જેમ સ્વરાજ્યના ભોગવટાના સમયમાં પણ તેઓએ પોતાની રાષ્ટ્રભક્તિને સ્વાર્થપરાયણતા અને સત્તાલોલુપતાથી અલિપ્ત રાખી હતી. અરે, રાષ્ટ્રપતિ તરીકેના રાષ્ટ્રના મોટામાં મોટા અધિકારપદે રહેવા છતાં, પોતાના અનાસક્તભાવને અખંડિત રાખીને, જળકમળ જેવું નિર્લેપ અને નિર્મળ જીવન જીવી જાણ્યું હતું.
તેઓ આવું જીવન જીવી શક્યા તેનું મુખ્ય કારણ એ લાગે છે કે તેઓ સમજીબૂઝીને ફકીરીનું જીવન જીવવામાં મોજ માણી જાણનાર એક આદર્શ શિક્ષક હતા. પાછલી જિંદગીમાં એક પછી એક ઊંચા અધિકારના પદે ચઢવા છતાં એમના શિક્ષક તરીકેના આત્માનું તેજ ક્યારેય ઝંખવાયું ન હતું. શિક્ષણ અને કેળવણી દ્વારા જ દેશનું સાચું ઉત્થાન અને પાયાનું ઘડતર થઈ શકવાનું છે એ પરમ સત્ય એમના અંતરમાં શરૂઆતથી જ બરાબર વસી ગયું હતું.
આદર્શ શિક્ષક અને સાચા કેળવણીકારનું તો મૂલ્ય જ ન આંકી શકાય; જેવા સંતપુરુષ એવા જ સાચા શિક્ષક – એવા જ નિખાલસ, એવા જ સ્વાર્થમુક્ત, એવા જ અકિંચન, એવા જ સાચાબોલા અને એવા જ પરગજુ ! એમના થકી જ દેશ સંસ્કારી, શક્તિશાળી અને સમૃદ્ધ બને. ડૉ. ઝાકીરહુસેનની શિક્ષક તરીકેની સેવાઓ ઋષિ જેવી ઉમદા, નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ છે.
દિલ્હી પાસેની “જામિયામિલિયા' નામની શિક્ષણ સંસ્થાના વિકાસમાં ડૉ. ઝાકીરહુસેને આપેલો ફાળો બેનમૂન છે. મૂળ વાત એ છે કે ડૉ. ઝાકીરહુસેન જેમ-જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા તેમ-તેમ, એક પરિણીત યુવકને (એમનાં લગ્ન ૧૮ વર્ષની ઉમરે થયાં હતાં) સહજ આકર્ષતી અર્થોપાર્જનની વૃત્તિના બદલે એક આદર્શ શિક્ષક બનવાની ભાવના એમનામાં વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ; એ ભાવનાને ખીલવવા માટે કોઈ પણ ભોગ એમને મન મોટો ન હતો કે કોઈ પણ ત્યાગ એમને માટે અશક્ય ન હતો. આ ભાવનાએ જ એમનું એક અકિંચન આદર્શ શિક્ષક તરીકે ઘડતર કર્યું, અને એ પદને જીવનની છેલ્લી પળો સુધી એમણે ગૌરવ સાથે શોભાવી જાણ્યું. “પોતે તો એક મામૂલી શિક્ષક કે પંતુજી છે' એવી હીનવૃત્તિ એમને ક્યારેય સ્પર્શી શકી ન હતી.
૧૯૨૦માં, તેવીસ વર્ષની વયે, એક બાજુ એમનો અભ્યાસ પૂરો થયો અને બીજી બાજુ મહાત્મા ગાંધીનો રાષ્ટ્રસેવાનો મંત્ર એમના અંતરને સ્પર્શી ગયો. એમણે મોટી-મોટી આશા-આકાંક્ષાઓમાં તણાયા વગર, તે વખતે અલીગઢમાં આવેલ જામિયા-મિલિયામાં એક અદના શિક્ષક બનવાનું અને શિક્ષણ દ્વારા દેશના નવઘડતરમાં પોતાનો નમ્ર ફાળો આપવાનું આપમેળે સ્વીકારી લીધું. બેએક વર્ષ સુધી શિક્ષક તરીકેની કામગીરી બજાવ્યા પછી એમને લાગ્યું કે હજી વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org