________________
પ૦૨
અમૃત-સમીપે અભ્યાસની જરૂર છે, એટલે તેઓએ જર્મનીમાં બર્લિનના વિખ્યાત વિશ્વવિદ્યાલયમાં રહીને અર્થશાસ્ત્રના વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી લીધી.
જર્મનીમાં અભ્યાસ કરતાં સને ૧૯૨૪માં એમના જાણવામાં આવ્યું કે પૈસાને અભાવે અલીગઢની જામિયા-મિલિયા સંસ્થાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાત સાંભળી એમનો શિક્ષણપ્રેમી આત્મા કકળી ઊઠ્યો. એમણે તરત જ એ સંસ્થાના સંચાલકોને વિનંતી કરી કે હું અને મારા કેટલાક સાથીઓ આ સંસ્થાને સમર્પિત થવા તૈયાર છીએ; કૃપા કરી સંસ્થાને બંધ ન કરશો. દરમ્યાનમાં, ગાંધીજીની સલાહથી અને જરૂરી સહાયના વચનથી એ સંસ્થાને અલીગઢમાંથી દિલ્હીમાં લાવવામાં આવી. સને ૧૯૨૬માં ડૉ. ઝાકીરહુસેન જર્મનીથી પાછા ફર્યા અને માત્ર ઓગણત્રીસ વર્ષની ભરયુવાન વયે એમને શિરે આ સંસ્થાના વાઇસ-ચાન્સેલરપદની મોટી જવાબદારી નાખવામાં આવી. અંતરમાં શિક્ષણ દ્વારા દેશકલ્યાણ કરવાની અદમ્ય ભાવના હતી, અને પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે ગમે તે ભોગ આપવાનું ખમીર હતું. ડૉ. ઝાકીરહુસેન (અને એમના કેટલાક દેશભક્ત મિત્રો) નામના, કીર્તિ અને સંપત્તિની આકાંક્ષાથી મુક્ત બનીને, રાષ્ટ્રીય શિક્ષણના કાર્યને સમર્પિત થઈ ગયા. આટલી કાર્યશક્તિ, આટલી વિદ્વત્તા અને આટલી કાબેલિયત હોવા છતાં માસિક માત્ર પંચોતેર રૂપિયા જેટલો જ પગાર લેવાનો, અને એ રીતે પૂરાં એકવીસ વર્ષ સુધી – સ્વરાજ્ય આવ્યું ત્યાં સુધી – તેઓ રાષ્ટ્રના એક મૂકસેવક અને આદર્શ અધ્યાપક તરીકે કામ કરતા રહ્યા. આ એક જ હકીકત ડૉ. ઝાકીરહુસેનની વિરલ ત્યાગભાવના અને સેવાપરાયણતાની પ્રશસ્તિ બની રહે એવી છે.
સ્વરાજ્ય આવ્યા પછી જાણે આ સરસ્વતીપુત્રની આવી લાંબી અને આકરી જ્ઞાનતપસ્યા મુલવાઈ હોય એમ, એમને એમના મૂંગા કાર્યક્ષેત્રના શાંત-એકાંત ખૂણામાંથી ખેંચીને, પંડિત જવાહરલાલ નેહરૂ જેવા રાષ્ટ્રસુકાનીઓ મોટાં-મોટાં પદ ઉપર લઈ ગયા. સને ૧૯૪૮માં તેઓને કોમી તંગદિલીને કારણે કાંટાની પથારી જેવી બની ગયેલી અલીગઢ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરપદની જવાબદારી સોંપવામાં આવી. પૂરી કાર્યનિષ્ઠા, રાષ્ટ્રીયતા અને ખબરદારીથી આઠ વર્ષ સુધી એમણે આ જવાબદારી અદા કરી, અને દેશના વિભાજન આસપાસના અરસામાં આ શિક્ષણ-સંસ્થામાં વ્યાપેલ કોમી કટ્ટરતાના વિષને ઓછું કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો.
આ અરસામાં જ સને ૧૯૫૨માં તેઓ કેન્દ્રની રાજ્યસભાના સભ્ય નિમાયા. અલીગઢ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરપદેથી નિવૃત્ત થયા પછી સને ૧૯૫૭માં એમને બિહારના ગવર્નર બનાવવામાં આવ્યા. અને પછી તો જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org