________________
૪૯૯
ડૉ. રાધાકૃષ્ણન્
વગર માગ્યે, સામે ચાલીને, એમની પાસે આવી પહોંચતું હતું. આમાં દેશ– વિદેશની વિદ્યાસંસ્થાઓની વ્યાખ્યાનો તથા લખાણો-પુસ્તકો માટેની માગણીઓનો, તેમને વિશિષ્ટ પદવી આપવાની ઇચ્છાનો તેમ જ અમુક અટપટા કાર્યની જવાબદારી સોંપવાની તત્પરતાનો પણ સમાવેશ થતો. આવી બધી પ્રવૃત્તિઓ, પોતાનું ગૌરવ વધા૨વા માટે, ડૉ. રાધાકૃષ્ણનનો આશ્રય લેતી હતી !
ડૉ. સર્વપલ્લીની આવી ઉજ્જ્વળ કારકિર્દી ઉ૫૨ સુવર્ણકળશ ચડાવ્યો એમની એક આદર્શ રાજપુરુષ તરીકેની દોઢેક દાયકા કરતાં ય વધુ વખતની કારકિર્દીએ. બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનાઈટેડ નેશન્સ)ના વિદ્યા અને સંસ્કૃતિને લગતા વિભાગરૂપ યુનેસ્કોએ તો એમનાં શાણપણ, દીર્ઘદ્રષ્ટિ અને વિદ્વત્તાનો લાભ જુદી-જુદી રીતે લીધો હતો. પણ રાજકારણ સાથેની એમની પ્રત્યક્ષ કે સીધી કામગીરીની શરૂઆત સને ૧૯૪૯થી શરૂ થઈ અને સને ૧૯૬૭ સુધી ચાલુ રહી હતી. આ સમય દરમ્યાન એકથી એક ચડિયાતું સ્થાન એમણે શોભાવી જાણ્યું હતું.
સને ૧૯૪૯માં તેઓ, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતના સ્થાને રશિયામાં ભારતના રાજદૂત નિમાયા. ત્રણ વર્ષ પછી એ પદેથી નિવૃત્ત થયા બાદ તેઓ ભારતના ઉપપ્રમુખ બન્યા, અને એ પદે દસ વર્ષ ચાલુ રહ્યા. ઉપરાછાપરી બે વાર ભારતના ઉપરાષ્ટ્રપતિ-પદે ચૂંટાયા બાદ સને ૧૯૬૨માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અને વળી પાંચ વર્ષ પછી, સને ૧૯૬૭માં, રાષ્ટ્રના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થઈને તેમણે છેવટનાં ૭-૮ વર્ષ શાંતિથી વિદ્યાસાધનામાં પસાર કર્યાં.
પોતાની રશિયામાં ભારતના રાજદૂત તરીકેની કામગીરી ખૂબ સફળ રીતે પૂરી કરીને જ્યારે તેઓ રશિયાથી વિદાય થતા હતા તે વખતનો એક પ્રસંગ ડૉ. રાધાકૃષ્ણનના પ્રભાવશાળી અને માનવતાપ્રેમી વ્યક્તિત્વનો ખ્યાલ આપે એવો છે :
માંધાતા જોસેફ સ્ટૅલિન તે વખતે રશિયાના સરમુખત્યાર હતા. એમની મુલાકાતનું માન બહુ જ ઓછી અને ખાસ પસંદ કરેલી વ્યક્તિઓને જ મળતું. પણ ડૉ. રાધાકૃષ્ણને પોતાની બુદ્ધિપ્રતિભા અને સત્યસ્પર્શી વિદ્વત્તાથી, ફિલ્ડમાર્શલ સ્ટૅલિનને એવા પ્રભાવિત કર્યા હતા, કે જ્યારે તેઓ રશિયામાંથી વિદાય થતાં પહેલાં સ્ટૅલિનની છેલ્લી વિદાય લેવા ગયા, ત્યારે એમણે જાણે કોઈ બાળક કે નિકટના મિત્રની જેમ વ્યવહાર કરતા હોય એમ, સ્ટૅલિનના ગાલ અને ખભા ઉપર ટપલી મારી હતી અને એમના ગળે હાથ વીંટાળીને એમને ભેટી પડ્યા હતા. જવાબમાં સ્ટૅલિને ડૉ. રાધાકૃષ્ણનને લાગણીભીના બનીને કહ્યું : “મને રાક્ષસ નહીં માનતા. મારી સાથે માનવતાભર્યું વર્તન કરનાર તમે પહેલી જ વ્યક્તિ છો. તમે અહીંથી વિદાય થાઓ છો, એનો મને રંજ છે.” સ્ટૅલિનના આ કથનમાં સચ્ચાઈ હતી એની સાક્ષી એમની ભીની થયેલી આંખો આપતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org