________________
૪૯૮
અમૃત-સમીપે ભારતની કે બીજા કોઈ દેશની ફિલસૂફીની વ્યાખ્યા કરતી વખતે તેમ જ એની સમજૂતી આપતી વખતે તેઓ સંકુચિતતા, વાડાબંધી કે પક્ષપાતી વૃત્તિથી સાવ અલિપ્ત રહીને અને વિશ્વના વિચારપ્રવાહોને આવરી લઈને એવું વ્યાપક દૃષ્ટિબિંદુ અપનાવી શકતા કે જેથી સૌને એમ જ લાગે કે આ ફિલસૂફ વિદ્વાન તો આપણા પોતાના મનની, આપણા પોતાના ભલાની અને આપણા પોતાના દેશની જ વાત કહે છે ! એમની અચિંત્ય શક્તિઓ તથા અમૂલ્ય સેવાઓનો લાભ ભારતને લાંબા સમય સુધી મળ્યો એ ભારતનું ખુશનસીબ; અને ભારત બહારના દેશોને મળેલી એમની સેવાઓ પણ ભારતની શાન વધારનારી અને એમનું પોતાનું માન વધારનારી બની છે એમાં શક નથી.
છેલ્લાં સો-એક વર્ષ દરમ્યાન ભારતમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી અને મહાયોગી શ્રી અરવિંદ ઘોષ વગેરે વિશ્વવિખ્યાત મહાપુરુષો થઈ ગયા. એમની હરોળમાં બેસી શકે એવી મૌલિક, વ્યાપક અને વિશિષ્ટ કારકિર્દી ડૉ. રાધાકૃષ્ણનની હતી.
તેઓ કોઈ પણ વિષય ઉપર પોતાની કલમ ચલાવીને એની છણાવટ કરતા તો જાણે એનાં પડેપડ ઉપર પ્રકાશની તેજરેખાઓ પાથરીને એના અંદરના હાર્દને સચોટપણે અને હૃદયંગમ રીતે પ્રગટ કરી દેતા.
ડૉ. સર્વપલ્લી જાણે વાણીના તો અધીશ્વર હતા. એમના મુખેથી વરસતી વાણીમાં ન લોકરંજનની સામાન્ય લાગણી જોવા મળતી, ન સસ્તી કીર્તિ કમાઈ લેવાની પામર મનોવૃત્તિ; એમાં તો પ્રાચીન કાળના ઋષિમુનિઓના જેવી આર્ષદૃષ્ટિ, જીવનગામી ધાર્મિકતા અને તત્ત્વચિંતનની અમૃતધારાનો જ સ્પર્શ જોવા-અનુભવવા મળતો. થોડાક સમય માટે શ્રોતાઓ સ્થળ-કાળના ભેદ ભૂલી જઈને વક્તાને અધીન બની જતા !
જેનો જીવ વિદ્યાના રંગે રંગાયેલો હોય અને વહીવટના અટપટાં કાર્યોની માથાકૂટમાં પડવાનું ભાગ્યે જ ગમે. પણ, બીજી કેટલીક વિદ્યાનિષ્ઠ વિરલ વ્યક્તિઓની જેમ, ડૉ. રાધાકૃષ્ણનું પણ આ બાબતમાં અપવાદ હતા. યુનિવર્સિટીઓના સંચાલનથી કે એવી જ કોઈ મુશ્કેલીભરી જવાબદારીથી કંટાળવાનું કે એનાથી દૂર રહેવાનું એમના સ્વભાવમાં જ ન હતું. તેથી આવડત અને અંદરના ખમીરની આકરી કસોટીરૂપ બની રહે એવી પણ અનેક જવાબદારીઓને એમણે સફળતાપૂર્વક પાર પાડી બતાવી હતી.
એમની વિદ્વત્તા, કાર્યશક્તિ અને પ્રશાંત હિંમતની કીર્તિગાથા બની રહે એવી સૌથી મોટી બાબત તો એ છે કે એમને કોઈ પણ પદવી, કામગીરી કે વિકાસની તકની સામે ચાલીને માગણી કરવી નહોતી પડી; એ બધું જ, જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org