________________
શ્રી પુરુષોત્તમદાસ ટંડન અને ડૉ. બિધાનચંદ્ર રૉય
૪૯૧
સામ્યવાદની ભાવનાથી ઊભરાતા વાતાવરણ વચ્ચે ! બંગાળ અને કલકત્તા તો સામ્યવાદીઓનો ગઢ છે. આ કેવળ ડૉ. રૉયના અંતરમાં ધરબાયેલી લોકકલ્યાણ અને લોકસેવાની ભાવના અને એમની અજોડ કાર્યશક્તિનું જ ફળ ગણી શકાય.
ડૉ. રૉય એક સફળ તબીબ અને એક સફળ રાજકારણી પુરુષ હોવાની સાથે-સાથે ઉદ્યોગોની સ્થાપના અને એના વિકાસમાં પણ ખૂબ પાવરધા હતા. કલકત્તા અને બંગાળના અનેક ઉદ્યોગો એમની યશોગાથા ગાઈ રહ્યા છે.
ડૉ. રૉયની લોકકલ્યાણની ભાવના એવી સક્રિય હતી કે એમના અવસાનના એક અઠવાડિયા પહેલાં જ જે આલીશાન મકાનમાં પોતે ચિરનિદ્રા લીધી, એ મકાન દાક્તરી સારવારના સેવાકાર્ય માટે એક ટ્રસ્ટને અર્પણ કરી દીધું હતું. એમની આ સખાવત એમની સેવાવૃત્તિની નિરંતર સાખ પૂરતી રહેશે.
અને વૃદ્ધત્વ ? વૃદ્ધત્વ તો જાણે એમને સ્પર્શી પણ શક્યું નહિ; તેઓ સાચે જ શારીરિક અને બૌદ્ધિક શક્તિના અખૂટ ઝરા હતા. દેશની, બંગાળની અને કલકત્તાની અનેકવિધ ઉન્નતિ માટે એ શક્તિઓનો કંઈ-કંઈ ઉપયોગ કરવાના એમના મનોરથો હતા.
ડૉ. રૉય સેવા માટે જ જીવ્યા અને સેવાના મનોરથો સેવતાં જ સ્વર્ગવાસી બન્યા !
સેવા અને ત્યાગની મૂર્તિ શ્રી ટંડનબાબુ
જેમને જોઈને શાંતિનો મૂર્તિમંત અનુભવ થઈ આવે એવા શ્રી પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ડૉ. રૉયના જન્મ પછી બરાબર એક જ મહિને, સને ૧૮૮૨ના ઑગસ્ટ મહિનાની પહેલી તારીખે થયો હતો.
શ્રી ટંડનબાબુ વ્યવસાયે એક કાબેલ વકીલ હતા, અને કુશાગ્ર-બુદ્ધિ, અભ્યાસપૂર્ણ દૃષ્ટિ, ખંત, ન્યાયપ્રિયતા અને સત્યપ્રિયતાને લીધે તેઓ વકીલ તરીકે ખૂબ સફળ થયા હતા. જ્યારે ભારતના રાજકીય તખ્તા ઉપર મહાત્મા ગાંધીજીનું વર્ચસ્વ જામવા લાગ્યું ત્યારે એમની કમાણી ધીકતી હતી, અને ઘણા અટપટા કેસો પણ એમને સોંપીને લોકો નિશ્ચિત બની જતા.
ટંડનબાબુ મૂળે જ ‘સાદું જીવન અને ઊંચા વિચારો'ના મંત્રથી પ્રભાવિત થયેલા હતા. જીવનની ઓછી જરૂરિયાતો એ એમનો જીવનક્રમ બની ગયો હતો. એમના અંતરને ગાંધીજીનો પારસ સ્પર્શી ગયો. સત્ય અને અહિંસાને કેન્દ્રમાં રાખીને દેશની આઝાદીની લડત અહિંસક રીતે લડવાની ગાંધીજીની અભિનવ હાકલે ટંડનબાબુના અંતરનું કામણ કર્યું; અને તેઓ પોતાની ટંકશાળ જેવી કમાણી છોડીને ગાંધીજીના એક અદના સેવક બની ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org