________________
૪૫૦
અમૃત-સમીપે એમના જીવનના જ એક અંશ રૂપ બની ગયેલ ધાર્મિકતાથી પ્રેરાઈને એમણે શાસનપ્રભાવના, શાસનરક્ષા, તીર્થરક્ષા, ધર્મ-મહોત્સવ અને ધર્મોદ્યોતનાં અનેક સત્કાર્યો કર્યા હતાં. આવા પ્રસંગે તેઓ તન-મન-ધનથી એવા તન્મય બની જતા કે જેથી બીજી અનેક વ્યક્તિઓને પણ એમાંથી પ્રેરણા લેવાનું અને એમનાં સત્કાર્યોના સહભાગી બનવાનું મન થઈ આવતું.
એનું બીજું એવું જ મહત્ત્વનું અને ઉજ્વળ પાસું હતું એમની સામાન્ય કે ગરીબ સ્થિતિનાં સાધર્મિક ભાઈઓ-બહેનો પ્રત્યેનું હમદર્દીભર્યું વલણ અને એમને બને તેટલી વધુ સહાય આપવાની પ્રવૃત્તિ. આવી સહાય આપવામાં કેટલાય પ્રસંગોએ તેઓ એવી ગુપ્તતા અને ગંભીરતા સાચવતા કે જેથી એમણે કોને, ક્યારે, કેટલી સહાય આપી હતી એ કોઈ કળી પણ ન શકે. સહધર્મીઓ પ્રત્યેનું આવું સહાનુભૂતિભર્યું વલણ કેળવીને શ્રી વાડીભાઈએ આપણા સંઘ અને સમાજની ઘણી મોટી સેવા કરી હતી, અને અનેક ભાઈ-બહેનોને પગભર થવા જરૂરી સલાહ અને સહાય આપીને સમાજના ઉત્કર્ષમાં પણ પોતાનો સારો ફાળો આપ્યો હતો. શ્રી વાડીભાઈના સ્વર્ગગમનથી આપણા સમાજની જરૂરિયાતવાળી વ્યક્તિઓને ગુપ્ત સહાય મળતી બંધ થઈ એ કંઈ જેવી-તેવી ખોટ ન કહેવાય. અત્યારના સમયમાં નામનાની કામનાથી દૂર રહીને માત્ર ધર્મબુદ્ધિથી પ્રેરાઈને, ગુપ્તદાન આપવાની ભાવના ખૂબ અભિનંદનીય અને અનુકરણીય બની રહે છે.
વળી, શ્રી વાડીભાઈના જીવનમાં જેમ ધાર્મિકતા અને સમાજસેવાની ધગશને સ્થાન મળ્યું હતું, તેમ તેઓએ પોતાના જીવનમાં દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની ભાવનાને પણ સારા પ્રમાણમાં અપનાવી જાણી હતી. આને લીધે એમના સેવા-ક્ષેત્રનો વિસ્તાર થયો હતો. તેઓની રાષ્ટ્રીયતા મહાત્મા ગાંધીની રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલી હતી. એટલે તેઓની કોઈ પણ પ્રવૃત્તિનું દૃષ્ટિબિંદુ માત્ર પ્રચારાત્મક બની રહેવાને બદલે હંમેશા રચનાત્મક રહેતું. શ્રી વાડીભાઈએ પોતાના ચાલીસ-પચાસ વર્ષ જેટલા લાંબા જાહેરજીવન દરમિયાન જે સફળતા અને યશ પ્રાપ્ત કર્યા હતાં, એમાં આવા રચનાત્મક દૃષ્ટિબિંદુનો ફાળો પણ ઘણો મહત્ત્વનો હતો. સ્વરાજ્ય આવ્યું તે પહેલાંની સ્વતંત્રતાની લડતમાં અને સ્વરાજ્યના ઉદય પછીના ધારાસભાવાદી રાજકારણમાં – એમ બંને રીતે આપણા દેશની સેવા કરવામાં શ્રી વાડીભાઈએ પોતાનો અદનો ફાળો આપ્યો હતો.
આ બધા ઉપરાંત શ્રી વાડીભાઈની કેળવણી પ્રત્યેની પ્રીતિ પણ બીજા શ્રીમંતો માટે દાખલારૂપ બની રહે એવી અને વિશેષ અનુમોદના માગી લે એવી હતી. પોતાની શિક્ષણ પ્રત્યેની આવી પ્રીતિને એમણે અનેક નવી શિક્ષણસંસ્થાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org