________________
શ્રી કામરાજ નાદર
૪૮૩
એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવી દેવા માટે પોતાની જાતને, સુખસાહ્યબીને અને શક્તિઓને હોમી દે છે, ત્યારે એક બાજુ એનું ઊર્ધ્વગામી અજબ રૂપાંતર થાય છે, બીજી બાજુ એ લોકનાયકપણાના અમૂલ્ય સન્માનની અધિકારી બની જાય છે.
સદ્ગત રાષ્ટ્રનેતા કામરાજ નાદરનું જીવન અને કાર્ય આ વાતની સાક્ષીરૂપ કે જીવંતકથારૂપ બની રહ્યું હતું. એ જીવન સંકેલાઈ ગયું અને લોકકલ્યાણની ભાવનાથી સતત પ્રેરાયેલાં એમનાં કાર્યો સદાને માટે થંભી ગયાં. દેશવાસીઓ માટે અને વિશેષે કરીને દેશની જે ગરીબ જનતાના ભલા માટે એ કાર્યો થતાં હતાં એને ઘણી મોટી ખોટનો અનુભવ થયો. એમના અણધાર્યા અવસાનના સમાચાર મળતાં, એમનાં અંતિમ દર્શન માટે અસંખ્ય માનવીઓએ, વરસતા વરસાદે અને દિન-રાત ભૂલીને જે ઉત્સુકતા દાખવી, પોતાના શિરછત્ર સમા સ્વજનની ચિરવિદાયની જે કારમી વેદનાનો અનુભવ કર્યો અને એમની સ્મશાનયાત્રામાં સામેલ થવા લાખોની સંખ્યામાં દૂરથી અને નજીકથી પહોંચી જઈને જે આદર અને બહુમાનની લાગણી પ્રદર્શિત કરી, તે બીના એ નેતાની દેશદાઝ, રાષ્ટ્રભાવના અને વિશેષે સેવાપરાયણતાની કીર્તિગાથા બની રહે એવી છે.
ઉચ્ચ અભ્યાસ અને અંગ્રેજી ભાષાનું ઊંડું જ્ઞાન એ બે છેલ્લા સાત-આઠ દસકાની રાષ્ટ્રીય નેતાગીરીનાં અનિવાર્ય અને અવિભાજ્ય અંગ લેખાતાં હતાં. આ બંને બાબતોમાં એક-એકથી ચઢિયાતી લાયકાત ધરાવતા હજારો નેતાઓ આપણા દેશમાં થઈ ગયા અને અત્યારે દેશનું સુકાન સંભાળતા નેતાઓમાં પણ આ યોગ્યતા સારા પ્રમાણમાં જોવા મળે છે. આવા સંખ્યાબંધ નેતાઓની હારમાળાની વચ્ચે પણ, પોતાના સામાન્ય અભ્યાસ અને અંગ્રેજી ભાષાના અધૂરા જ્ઞાન છતાં, શ્રી કામરાજજી પ્રથમ પંક્તિના નેતા જેવું ઉચ્ચ સ્થાન મેળવી અને ટકાવી શક્યા હતા; એટલું જ નહીં, કેટલીક વાર તો દેશના રાજ્ય-સંચાલનના તંત્રને હચમચાવી નાખે અથવા નવો વળાંક આપે એવા નિર્ણયો લેવાની હામ દાખવી શક્યા હતા એ જ બતાવે છે કે તેઓ કેટલું બધું આંતરિક બળ અને ખમીર ધરાવતા હતા. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂની મૂંઝવણ દૂર કરવા, એ વખતના કૉંગ્રેસપ્રમુખ તરીકે શ્રી કામરાજજીએ ઘડેલ યોજના ‘કામરાજ પ્લાન' અને સમય જતાં ‘કામરાજીકરણ' તરીકે યાદગાર બની ગઈ હતી.
શ્રી કામરાજજી ભારતના રાજકારણમાં જે સફળતા મેળવી શક્યા હતા અને પોતાનો અગત્યનો અને યાદગાર ફાળો નોંધાવી શક્યા હતા, તે એમનાં અદમ્ય આત્મવિશ્વાસ, અડોલ નિશ્ચયબળ, કુશાગ્ર-બુદ્ધિ, નિર્ણયોને વ્યવહારુરૂપ આપવાની કોઠાસૂઝ, નિઃસ્વાર્થવૃત્તિ, દેશના દીન-હીન-ગરીબ જનોની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org