________________
શ્રી ઇન્દુચાચા
૪૮૧ ઊંચી, પાતળી છતાં લોહ સમી નક્કર કાયા એમના દર્શન કરનારના અંતરમાં ચિરકાળ સુધી એક આલ્હાદક અને પ્રેરક સ્મૃતિ જગાડતી રહેતી. જે માનવી ૭૦, ૭૫ કે ૮૦ વર્ષ જેવી પાકટ વયે ઊંઘ કે આરામની ખેવના કર્યા વગર ઠેર-ઠેર ઘૂમીને કલાકો સુધી કામ કરતો રહે, દિવસ-રાત ગણ્યા વગર અનેક સભાઓને લાંબા વખત સુધી સંબોધ્યા કરે અને પોતે સ્વીકારેલ ફરજને પૂરી કરવા સાહસશૂરા યોદ્ધાની જેમ સતત ઝૂક્યા કરે એના દેહમાં કેટલું કૌવત ભર્યું હશે?
જેમ એમનું શરીર ખડતલ હતું એમ એમનું જીવન સાદાઈના શ્રેષ્ઠ આદર્શ સમું હતું. રહેવાનું સ્થાન નરસિંહ મહેતાના ઉતારા જેવું હોય, ઘરવખરીમાં સાદો કે હચમચી ગયેલો ખાટલો, જીર્ણ થઈ ગયેલાં ટેબલ-ખુરસી કે એવી જ વસ્તુ હોય, અને પહેરવાનાં વસ્ત્રો પણ ખાદીનાં સાવ સાદાં, ફાટેલાં, થીગડાં લગાવેલાં કે ઓછાં સ્વચ્છ પણ હોય તો એથી શરમાવાનું કે પોતાની જાતને હલકી માનવાનું કેવું ? સામે ચાલીને ગરીબીનું વરદાન તો માગી લીધું હતું ! અને ગરીબી અને સાદાઈને જીવન સાથે એકરૂપ બનાવી દેવાની શ્રી ઇન્દુભાઈની વિરલ અને ઉમદા ભાવના ઉપર સુવર્ણકળશ ચઢતો એમના અલગારી ભોજનથી ! એમને મન કર્તવ્યપાલનનું એટલું બધું મહત્ત્વ હતું કે ભોજનને માટે કોઈ કામમાં વિલંબ થાય એ એમને પરવડતું ન હતું ! જાણે કે, દેહથી કામ લેવું હોય તો એને દામું આપ્યા વગર ન ચાલે, એટલા માટે જ તેઓ ખોરાક લેતા હતા. વળી જે કંઈ ખાવા મળે તે આનંદ અને રસપૂર્વક ખાતા હતા. વખત આવ્યે ખીસામાં ભરી રાખેલ સીંગચણાથી કે થેલીમાં પડીકામાં બાંધી રાખેલ શાકપૂરીથી, પોણોસો એંશી વર્ષની વયે પણ, પોતાનું ભોજન પતાવનાર વ્યક્તિની રસવૃત્તિ કેવી કાબૂમાં હોવી જોઈએ? અને છતાં જીવનમાં ઉદાસીનતા કે નીરસતાનું નામ નહીં !
જેમ ઇન્દુભાઈનું શરીર મજબૂત હતું તેમ એમના મનમાં પણ જાણે ગજવેલ કે વજ પુરાયેલું હતું. એક સંકલ્પ કર્યો એટલે પછી ગમે તેવી મુસીબતો આવે તો પણ એને પૂરો કર્યો જ છૂટકો; હતાશા કે નાહિંમત એમને પાછા પાડી ન શકતી.
નીડરતા એમના રોમરોમમાં ધબકતી હતી. કોઈની શેહશરમમાં દબાવાનું કે મોટામાં મોટી વ્યક્તિથી પણ ડરવા-ગભરાવાનું તેઓ શીખ્યા જ ન હતા. વળી સ્પષ્ટવાદિતા તો જાણે એમની જબાન પર જ રમતી રહેતી હતી. વખત આવ્યે મોટામાં મોટી ગણાતી વ્યક્તિને પણ કડવું, આકરું સત્ય સંભળાવતાં તેઓ ક્યારેય પાછા ન પડતા. જરૂર પડતાં એમની વાણી અંગાર-ઝરતી, જલદ બની શકતી. જેમણે લોભ-લાલચથી પર બનીને સમજપૂર્વક ફકીરી જીવનનો રાહ અપનાવ્યો હોય, એને કોઈથી ડરવાપણું હોય જ શાનું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org