________________
૪૮૦
અમૃત-સમીપે પરિષદ ભરી, પછી રાજકીય પરિષદ ભરી, અને પ્રજાજીવનના ઘડતર માટેના પોતાના વિચારોને વાચા આપવા માટે ‘નવજીવન' નામે માસિક શરૂ કર્યું. આ માસિક જ છેવટે ગાંધીજીના હાથમાં જઈને એ જ નામથી સાપ્તાહિકરૂપે નવો અવતાર પામીને, સ્વરાજ્યની લડતને માટે સૂતેલી પ્રજાને જાગૃત કરવાનું સમર્થ વાહન બન્યું !
આ સમય ગાંધીજીના ભારત-આગમનનો અને એમની રાષ્ટ્રવ્યાપી અનોખી નેતાગીરીના ઊગમનો સમય હતો. રાષ્ટ્રના ઉદ્ધારક અને લોકજીવનના ઘડવૈયા ગાંધીજીના અંતરનો સાદ શ્રી ઇન્દુભાઈના અંતરને ન સ્પર્શે એ બને જ કેમ ? ગાંધીજીને શરૂઆતમાં જે સાથીઓ મળ્યા અને ગમી ગયા એમાં શ્રી ઇન્દુભાઈનું પણ સ્થાન હતું. તેઓ ગાંધીજીના કામમાં જોડાઈ ગયા.
પણ ઇન્દુભાઈ તો મનમોજી જીવ હતા; અલબત્ત, એમની મનમોજ કંઈ સુખચેન માણવાની કે મોજમજા ભોગવવાની નહિ, પણ હંમેશાં પોતાને મનગમતાં લોકસેવાનાં કાર્યોમાં જ ખૂંપી જવાની રહેતી. અને એક વાર એક સેવાકાર્ય કરવા જેવું લાગ્યું પછી “તરત દાન અને મહાપુણ્ય” એ જ એમની કાર્યપદ્ધતિ હતી.
ગાંધીજી સાથે જોડાયા પછી પણ ઇન્દુભાઈનું મન ગુજરાતની આદિવાસી અને પછાત કોમોની સેવા માટે ઝંખી રહ્યું હતું. એ માટે ગાંધીજી અને સરદાર સાથે રહીને પોતાની ધારણા મુજબ કામ થવાની શક્યતા ન લાગી, તેથી પોતે એમનાથી અળગા થઈને એકલે હાથે એ કામ કરવાનું બીડું ઉઠાવ્યું; અને એક વાર અમુક કાર્ય કરવાનો સંકલ્પ કર્યો, પછી એમાં બીજા સાથીઓ છે કે પોતે એકલાએ જ બધો ભાર વહન કરવાનો છે, આર્થિક કે બીજાં સાધનો પૂરતાં છે કે નહીં, અથવા તો આસપાસની પરિસ્થિતિ કેવી મુશ્કેલ છે એની ચિંતા કરવા થોભવાનું ઇન્દુભાઈના સ્વભાવમાં જ ન હતું. મુશ્કેલીથી તેઓ મૂંઝાતા નહીં; મુશ્કેલ કામોનો પડકાર ઝીલવામાં તેઓ એક પ્રકારની મોજ અનુભવતા. આવા પ્રસંગોએ એમનું તેજ, ખમીર અને હીર શતદળ કમળની જેમ ખીલી ઊઠતું ; જાણે કોઈ યોગસાધક આત્મા !
એમ લાગે છે કે દીન-દુ:ખી, શોષિત-દલિત, પીડિત-પતિત જનતા એ જ ઇન્દુભાઈને મન પ્રત્યક્ષ હાજરાહજૂર જનાર્દનરૂપ હતી; એમની સેવામાં જ તેઓને સાચી ઈશ્વરસેવાનાં દર્શન થતાં. આ આસ્થામાંથી જ તેઓને ગમે તેવા મુશ્કેલ કામને પહોંચી વળવાનું બળ મળતું રહેતું હતું, અને એમનું જીવન આકરી કસોટી કરાવતી અનેક સિદ્ધિઓથી સમૃદ્ધ બન્યું હતું.
- શ્રી ઇન્દુભાઈનું શરીર ન કલ્પી શકાય એટલું ખડતલ હતું ; એક તપસ્વીના જેવું કઠોર જીવન જીવવું એ એમને માટે સાવ સહજ વાત હતી. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org