________________
૪૬૨
અમૃત-સમીપે “ભવિષ્યની પ્રજાને તો એ માનવું પણ મુશ્કેલ થઈ પડશે, કે ભૂતકાળમાં કેવળ પોતાના આત્મબળના જોરે આવી-આવી મહાસિદ્ધિઓ હસ્તગત કરનાર કોઈ માનવી થયો હતો!”
આવા આત્મબળના પરમ ઉદ્ધારક મહાત્માજીનું ભલે ખૂન થાય કે અવસાન થાય; પણ એ તો સદાકાળ અમર જ છે.
મહાત્માજીની આ મહાસિદ્ધિઓનું મૂળ સમજવું પણ બહુ સરળ છે – જેવું એમનું જીવન સરળ હતું. ભારતના મહર્ષિઓ અને જગતભરના સંતપુરુષોએ ઠેકાણે-ઠેકાણે દર્શાવેલ માર્ગ એ મહાત્માજીનો માર્ગ હતો : તે માર્ગ એટલે મન, વાણી અને આચરણની અણીશુદ્ધ એકરૂપતા. જે સ્વયં આચરી ન શકાય એ બીજાને ન કહેવું, અર્થાત્ વાણીના નર્યા વિલાસરૂપ “પરોપદેશે પાંડિત્યથી સદા અળગા રહેવું. આ ત્રણની એકરૂપતા સાધવાના ઉત્તમ સાધનની ખોજમાં એમણે મેળવ્યાં સત્ય અને અહિંસા, જે એમનાં પ્રાણ અને શ્વાસ બની રહ્યાં.
રાષ્ટ્રમુક્તિના મહાસંગ્રામમાં, કોમવાદના ભયંકર ઝંઝાવાતમાં કે બીજા નાના-મોટા અનેક પ્રસંગોએ પણ એમની અહિંસા સદા ય ઝળહળતી જ રહી. મોટી-મોટી લાલચો, મોટા-મોટા ભયો કે નેતાગીરી સરી જવા જેવી વિષમ પરિસ્થિતિમાં પણ એ સત્યના માર્ગથી લેશ પણ ન ચળ્યા. સત્ય આચરવું અને સત્ય કહેવું એ એમનો રોજનો ધર્મ થઈ ગયો. એ ધર્મ અદા કરવામાં એ એવા તન્મય બની ગયા કે એ સત્ય લોકોને કેટલું કટુ અને આકરું લાગશે એની લેશ પણ પરવા કર્યા વગર તેમણે ધીરજથી એ લોકોને સંભળાવ્યા જ કર્યું ; એ સત્યની ઉપાસનામાં બાપુજીએ પોતાનું જીવન જ હોડમાં મૂકી દીધું હતું. પોતાને અકારા થઈ પડેલા એ સત્યથી જ ઉશ્કેરાઈને એક ૩૫-૩૬ વર્ષના નવજુવાને આત્મબળના પંજસમા ૭૮ વર્ષના વૃદ્ધ બાપુ ઉપર પિસ્તોલ ચલાવી. દેશની રગેરગમાં વ્યાપી ગયેલા કોમવાદના હળાહળ વિષનું, કિરતારના નામે પાન કરી બાપુ અમર બની ગયા.
દેશના કલ્યાણને કાજે અનેક વાર કડવા ઘૂંટડા પી જનાર બાપુએ કોમવાદનું બહુ વિલક્ષણ પ્રકારનું આ વિષપાન કરીને, નથી લાગતું કે પોતાની વિદાયવેળાએ પણ દેશને મોટી આફતમાંથી ઉગારી લીધો છે ? બે જુદી કોમો વચ્ચેનું વેરઝેર તો સૌને જાણીતું હતું, પણ એક જ કોમમાં વ્યાપેલું આ ઝેર એટલું પ્રચ્છન્ન હતું, કે જો એ આ રીતે પ્રગટ થયું ન હોત, તો કોણ જાણે કેટલો અનર્થ કરી બેસત ! આત્મમાર્ગ ઉપરની મહાત્માજીની આ મહામૂલી શહાદત કદી એળે નહીં જાય – એ જ આજના અતિ વિષાદભર્યા અવસરે આપણું આશ્વાસન !
(તા. ૮-૨-૧૯૪૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org