________________
૪૮
(૩) રાષ્ટ્રપ્રાણ શ્રી જવાહરલાલ નેહરૂ
શ્રી જવાહરલાલ નેહરૂ અવસાન પામ્યા છે અને વિશ્વકલ્યાણવાંછુ વિરાટ પુરુષની સમગ્ર વિશ્વને ભારે ખોટ પડી છે !
અમૃત-સમીપે
વિશ્વભરના માનવીઓની શાંતિ માટે એ નેહરૂનો આત્મા અદમ્ય તલસાટ અનુભવતો હતો; એ જ એમનું જીવનકાર્ય હતું. એને સિદ્ધ કરવા એ જીવનભર ઝઝૂમ્યા અને એ માટે અસાધારણ પુરુષાર્થ કરતાં-કરતાં ચાલ્યા ગયા !
મહાત્મા ગાંધી જીવનવ્યાપી અહિંસાના ઉપાસક હતા. ગાંધીજીના રાજદ્વારી વારસ શ્રી નેહરૂ સામાજિક અહિંસાના આશક હતા. સમગ્ર વિશ્વના માનવમાત્રની સમાનતામાં એમને અપાર આસ્થા હતી. ઊંચ-નીચપણાના કે કાળા-ગોરાપણાના કોઈ ભેદ એમને મંજૂર ન હતા. સમગ્ર માનવજાતને તેઓ સુખશાંતિના અધિકારી માનતા. એ માટે એમણે આરામને હરામ કર્યો હતો, સતત કાર્યશીલતાને પોતાનું જીવનસૂત્ર બનાવ્યું હતું.
વિશ્વશાંતિને ટકાવી રાખવા વિશ્વના દેશોને વિશ્વયુદ્ધના આરેથી પાછા વાળવા માટે શ્રી નેહરૂએ કેટકેટલી ચિંતા સેવી હતી, કેટકેટલા પ્રયત્નો કર્યા હતા અને એમાં કેટલી સફળતા પ્રાપ્ત કરી હતી એનું નિદર્શન તો ભવિષ્યના ઇતિહાસકાર જ કરાવી શકશે.
અને ભારતના તો તેઓ પ્રાણ જ હતા. ગાંધીયુગમાં જેમ ગાંધી અને ભારત એકરૂપ બની ગયાં હતાં, તેમ નેરૂયુગમાં શ્રી નેહરૂ અને ભારત એકરૂપ બની ગયાં હતાં.
રાષ્ટ્રના નવનિર્માણના ધબકતા પ્રાણ અને એની પ્રેરણાના અખૂટ સ્રોત હતા શ્રી નેહરૂ. એક-એક ભારતવાસીનું કલ્યાણ સાધીને રાષ્ટ્રપિતાની સર્વોદયની ભાવનાને મૂર્ત કરવાના આ રાષ્ટ્રપુરુષના ભવ્ય અને દિવ્ય મનોરથો હતા.
અનેક વાદો અને અનેક ભેદથી ઊભરાતા આવડા મોટા દેશનું વડાપ્રધાનપદ પોણા બે દાયકા સુધી એકચક્રીપણે સાચવી જાણવું અને સાથે-સાથે લોકચાહના પણ પૂરેપૂરી ટકાવી રાખવી, એ કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે શ્રી નેહરૂ પોતાના દેશમાં જેટલા લોકપ્રિય હતા, એટલા જ વિશ્વના દેશોમાં લોકપ્રિય હતા.
એનું કારણ એ છે કે શ્રી નેહરૂની રાષ્ટ્રીયતાને સ્વાર્થના કે સંકુચિતતાના કોઈ સીમાડા અભડાવી નહોતા શકતા. રાષ્ટ્રનું કલ્યાણ પણ તેઓને વિશ્વકલ્યાણના સંદર્ભમાં જ ખપતું હતું. પોતાને દુશ્મન માનતા દેશનું પણ ભલું ચાહવું અને એ માટે પ્રયત્ન કરતા રહેવું એ શ્રી નેહરૂની વિશેષતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org